

અમદાવાદ : શહેરનાં વૈષ્ણોદેવી સર્કલ સામે અને જાસપુર રોડ પાસે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આકાર પામનારા વિશ્વનાં સૌથી ઉંચા ઉમિયા માતાજીના મંદિરનો 29 ફેબ્રુઆરીએ શિલાન્યાસ કરવામાં આવશે.આ મંદિરનું 100 વીઘા જમીનમાં એક હજાર કરોડનાં ખર્ચે નિર્માણ કરવામાં આવશે. આ શિલાન્યાસ સમારોહ બે દિવસ એટલે કે 28 અને 29 ફેબ્રુઆરીનાં રોજ થવાનો છે. જેમાં સંતો, મહંતો અને પાટીદાર અગ્રણીઓ સામેલ થશે. મહત્વનું છે કે, અમદાવાદ પાસે આવેલા જાસપુર ગામ ખાતે આકાર થનાર વિશ્વઉમિયાધામ મંદિર સંકુલને જર્મન આર્કિટેક દ્વારા દોઝૈન કરવામાં આવ્યું છે.


બે દિવસનાં આ સમારોહમાં રાજ્ય અને વિશ્વમાંથી ઉમિયા માતાના 2 લાખ ભક્તો ઉમટી પડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે જગદગુરુ રામાનંદાચાર્ય સ્વામી રામભદ્રાચાર્યજી, અવિચલદાસજી, જગદગુરુ શંકરાચાર્ય વિજેન્દ્ર સરસ્વતીજી, દિલીપદાસજી મહારાજ, વિશ્વંભર ભારતી મહારાજ સહિતના સંતો પધારશે.


ઉમિયા માતાના મંદિરનું 100 વીઘા જમીનમાં નિર્માણ કરવામાં આવશે આ સાથે ઉમિયા માતાજીના મંદિરની બાજુમાં મંદિર અને સરકારના સંયુક્ત સંકલનથી વિશ્વનું બીજા નંબરનું ટ્રી મ્યુઝિયમ બનશે. જેમાં લુપ્ત થતા 3000 વૃક્ષો રોપવામાં આવશે.


સમગ્ર સમારોહનાં આયોજન માટે 50થી વધુ કમિટીઓ કામ કરશે. જ્યારે સમગ્ર કાર્યક્રમમાં 5000થી વધુ સ્વયં સેવકો સેવા આપશે.


કાર્યક્રમની વાત કરીએ તો 28 ફેબ્રુઆરી 2020નાં રોજ સવારે 8થી 12 કલાકે અયુત આહુતિ મહાયજ્ઞ અને જગત જનની મા ઉમિયાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા તથા ગણપતિદાદા અને બટુક ભૈરવની ચલ પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. તે જ દિવસે બપોરે 2 કલાકે 11 હજાર બહેનોની જ્વારા શોભાયાત્રા સાથે માં ગંગાના પવિત્ર જળ ભરેલાં 108 કળશનું સ્વાગત અને પૂજન કરાશે. સાંજે 4 કલાકે દાતાઓનો અભિવાદન સમારોહ યોજાશે


29 ફેબ્રુઆરી 2020નાં રોજ સવારે 8 કલાકે મુખ્ય કૂર્મ શિલા સહિત 9 શિલાઓનું દાતાઓના હસ્તે પૂજન કરાશે. સાંજે 4 કલાકે મુખ્ય કાર્યક્રમ શિલાન્યાસ સમારોહનું આયોજન છે. શિલાન્યાસ સમારોહમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ (BAPS)અને શ્રી શ્રી રવિશંકર(આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન) આશીર્વચન આપશે.