

અમેરિકાના (America) ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ (FBI) પ્રજાની વચ્ચે ભારતીય મૂળના ભદ્રેશકુમાર ચેતનભાઇ પટેલની (Bhadreshkumar C Patel) માહિતી આપનારને 1 લાખ ડોલરના (રૂ.73,95,245) ઇનામની જાહેરાત ફરીથી કરી છે. FBIના જણાવ્યા પ્રમાણે, ભદ્રેશકુમાર ચેતનભાઇ પટેલનો જન્મ ગુજરાતના (Viramgam, Gujarat) વીરમગામ તાલુકાના કંતોદ્રી ગામમાં થયો હતો. ઉલ્લેખનીય છે કે, આ વ્યક્તિ એફબીઆઈની 2017મા જાહેર કરાયેલી 10 મોસ્ટ વોન્ટેડ યાદીમાંથી એક છે. આ શુક્રવારે એફબીઆઈએ ફરીથી આના નામ સાથે ઇનામની રકમ જાહેર કરી છે. ભદ્રેશકુમારે વર્ષ 2015માં પોતાની પત્નીની હત્યા (Wife murder) કરી હતી. ત્યારથી તે ફરાર છે.


આ અંગે FBIએ લોકોને કહ્યું છે કે જો, આ વ્યક્તિ અંગે જાણ હોય કે પછી તેમને ખબર છે કે તે કયાં રહે છે તો તેઓ એજન્સી કે નજીકના અમેરિકન એમ્બસી સાથે સંપર્ક કરે.


ભદ્રેશ છેલ્લી વખત ન્યૂજર્સીની એક હોટલમાં દેખાયો હતો. જે બાદ તેણે રાજ્યના નેવાર્કમાં એક ટ્રેન સ્ટેશન માટે ટેક્સી લીધી હતી. તે સમયે એની અરૂંડેલ કાઉન્ટીના પોલીસ પ્રમુખ રહી ચૂકેલા ટિમ અલ્ટોમારે રેડિયોને કહ્યું હતું કે, આ કેસમાં હિંસા ભડકી હતી. હૃદય કંપાવનારા દ્રશ્યો સર્જાયા હતા અને આ પોલીસ વિભાગ માટે ઝાટકો હતો.


રેડિયોએ અધિકારીઓના હવાલે કહ્યું કે, ઘટના દરમ્યાન પટેલ 24 વર્ષનો હતો. તેણે કથિત રીતે પોતાની 21 વર્ષની પત્ની પર કોફી શોપનાં પાછળના ભાગમાં રસોઇમા વપરાતા ચાકુથી કેટલીય વખત ઘા કર્યો હતો. એ દરમ્યાન ત્યાં ગ્રાહકો પણ હાજર હતા. તેઓ બંને ત્યાં કામ કરતા હતા. (પત્ની પલક સાથેની ભદ્રેશની ફાઇલ તસવીર)