પ્રણવ પટેલ, અમદાવાદ : અમદાવાદ શહેરમાં (Ahmedabad)પ્રથમ વખત ખાસ પ્રકારની ડિઝાઇન સાથે વર્તુળ આકારનો ફુટ ઓવર બ્રિજ (Foot over bridge)નિર્માણ થઇ રહ્યો છે. ઔડા (AUDA)દ્વારા 16 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર થઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં (Ahmedabad city)વસ્ત્રાલ ગામ રિંગરોડ (Ringroad)ચાર રસ્તા પર ઔડા દ્વારા અનોખા ફુટ ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે. રાહદારીઓ માટે ખાસ વર્તુળ આકારની ડિઝાઇન ધરાવતો સર્કલ આકારનો ફૂટ બ્રિજ નિર્માણ થઇ રહ્યો છે. જમીનથી 5 મીટર ઊંચે ફુટ ઓવરબ્રિજ બની રહ્યો છે.
કુલ 300 મીટરના વિસ્તારમાં 250 મીટરનું વર્તુળ આકાર લઈ રહ્યું છે. રાહદારીઓને સરળતાથી ચાલવા 4 મીટર પહોળો પેસેજ અહીં મળશે. ટ્રાફિકથી ધમધમતા રિંગરોડને સુરક્ષિત પાર કરવા આ બ્રિજનું નિર્માણ કરાયું છે. રિંગ રોડ ચાર રસ્તા પર સમયાંતરે સર્જાતા અકસ્માતને ટાળવા ઔડા દ્વારા આ બ્રિજ બની રહ્યો છે. ચાર રસ્તાની તમામ દિશામાંથી રાહદારી બ્રિજ પર જઇ શકશે તેવી ડિઝાઇન બની છે. વધુમાં આ ફૂટ ઓવરબ્રિજથી સીધા વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન ઉપર જવાની વ્યવસ્થા છે.
ફૂટ બ્રિજની મદદથી મેટ્રો સ્ટેશનથી સીધા રિંગરોડ પણ ક્રોસ કરી શકાશે. બ્રિજના ચારેય દિશામાં પગથિયાં, એસકેલેટર અને લિફ્ટની સુવિધા હશે. આ બ્રિજ રૂ.16.43 કરોડના ખર્ચે તૈયાર થશે. જૂન 2022ના અંત સુધીમાં કામગીરી પૂર્ણ થશે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા ) હસ્તકના એસ.પી. રિંગરોડ ઉપર વસ્ત્રાલ જંકશન પાસે બૃહદ અમદાવાદના સ્વપ્નોને ચરિતાર્થ કરતી મેટ્રો રેલ્વેના પ્રથમ પડાવ સમા વસ્ત્રાલ મેટ્રો રેલ્વે સ્ટેશન છે. વસ્ત્રાલ મેટ્રો રેલ્વે સ્ટેશન પાસે આવેલા એસ.પી. રિંગરોડ ઉપરના ભારે વાહન વ્યવહાર તથા આસપાસના રામોલ, વટવા, ઓઢવ , સિંગરવા, કઠવાડા , ગતરાડ , ગૈરતનગર, હાથીજણ જેવા સમગ્ર પુર્વ અમદાવાદ વિસ્તારના નાગરિકોને રોજિંદા વાહન વ્યવહાર માટે બહુમુલ્ય સુવિધા મળનાર છે.
આથી ઉક્ત નવિન મેટ્રો રેલ્વે સ્ટેશન ઉપર ભવિષ્યમાં આવાગમન કરનાર લોકોને કારણે ભારે ભીડ થશે અને તે જ કારણે રિંગરોડ અને તેના વસ્ત્રાલ જંક્શન ઉપર લોકોની અવરજવર પણ ખુબ જ વધશે. આ તમામ કારણે રિંગરોડના માર્ગોને ચાલીને કોસ કરવાનું નાગરિકો માટે ઘણુ મુશ્કેલ અને સંભવિત અકસ્માતને નિયંત્રણ આપવા સમાન બની રહેશે. આથી સદર સ્થળે રસ્તો ક્રોસ કરનાર નાગરિકોની સુવિધા માટે ઔડા દ્વારા એસ.પી. રિંગરોડ પરના વસ્ત્રાલ જંક્શન ઉપર એક અધતન ફુટ બ્રિજ નિર્માણનું આયોજન હાથ ધરવામાં આવી રહેલ છે.