સંજય ટાંક, અમદાવાદ, ઉત્તરાયણ પતંગ (Uttarayan) ચગાવવાની પતંગ રસિકોની મજા રાહદારીઓ અને વાહન ચાલકો માટે ઘાતક પુરવાર થતી હોય છે. ઉત્તરાયણના દિવસે રાજ્યમાં મેડિકલ ઇમરજન્સીના (108) કેસનો આંકડો 2900ને પાર પહોંચી ગયો છે. બેશક આ આંકડો વર્ષ 2020ની સરખામણીમાં ઓછો છે પણ આ વખતેય શહેરમાં દોરી વાગવાને કારણે લોકોનાં ગળા કપાવાનો સિલસિલો યથાવત રહ્યો હતો.
ગુજરાતમાં પતંગ ઉત્સવ લોકો ધામધૂમથી ઉજવતા હોય છે. જોકે આ વખતે કોરોનાની ગાઈડ લાઈન અને ધાબા પર લોકોના ટોળા એકઠા ન થાય તે માટે સરકાર એ નિયમો કડક કર્યા હતા. છતાં પતંગ ચગાવનાર લોકોએ મન મુકીને પતંગ ચગાવવાની મજા માણી છે. અને તેની આ મજા કેટલાક લોકો માટે જીવનભરની સજા બની ગઈ છે. અમદાવાદમાં 77 કોલ મળ્યા છે. જેમાં 22 લોકો ધાબા પરથી નીચે પડ્યા છે જ્યારે 28 લોકો દોરીના કારણે ઇજાગ્રસ્ત થયા છે. બાદમાં વડોદરામાં 20, રાજકોટમાં 16 અને સુરતમાં 14 જેટલા કોલ દોરી વાગવા અને નીચે પડવાના મળ્યા છે.
હા ઉત્તરાયણના દિવસે રાત્રે 9 વાગ્યા સુધી પણ 108 ઇમરજન્સીમાં કોલ્સ રણકતા રહ્યા. અને રાત્રે 9 વાગ્યા સુધીમાં ઈમરજન્સી કોલ્સનો આંકડો 2940 એ પહોંચી ગયો હતો. જોકે ગતવર્ષ 2020માં ઉત્તરાયણના દિવસે આ આંકડો 3478 હતો. આ વખતે કેસ 500 ઓછા છે પણ ભયાનકતા એટલી ને એટલી જ છે. આ ઈમરજન્સી કોલ્સમાં પતંગઉત્સવના કારણે તાત્કાલિક સારવાર માટે લઈ જવાયેલા કેસ 210 જેટલા પહોંચી ચુક્યા છે.
અમદાવાદનો એક પણ ખૂણો બાકી રહ્યો નથી જ્યાંથી રાહદારીઓને અને વાહનચાલકને દોરી વાગવાના બનાવો સામે ન આવ્યા હોય. મહત્ત્વનું છે કે દર વખતે આપણે ઉત્તરાયણ ઘાતક દોરીથી નહિ ઉજવવાના તંત્ર દ્વારા કડક આદેશ આપવામાં આવે છે પણ એ આદેશોનું પાલન લોકો કરતા નથી. અને તેથી જ તેમની પતંગ ચગાવવાની મજા અન્ય લોકો માટે જીવનભરની સજા બની જાય છે.