

સંજય ટાંક, અમદાવાદ : અમ્મી જાન કહેતી હૈ કોઈ ભી ધંધા છોટા નહીં હોતા ઔર ધંધે સે બડા કોઈ ધર્મ નહીં હોતા. આમ તો આ ફિલ્મી ડાયલોગ છે પરંતુ અમદાવાદના એન્જીનિયર યુવાન રોનક પર ફિટ બેસે છે. ભણી ગણીને ડિગ્રી એન્જીનિયરીગ કર્યું પણ હવે માર્કેટમાં નોકરી નથી. અનેક કંપનીઓનાં પગથિયાં ચઢી પગના તળિયા ઘસ્યા બાદ યુવાનને થયું કે નોકરી મળશે નહીં. પરંતુ તેને નોકરી મળવામાં મળેલી નિષ્ફળતાથી નાસીપાસ થયા વગર યુવાને ટી સ્ટોલ શરૂ કર્યો છે. જેને નામ આપ્યું છે એન્જીનિયરની ચા.


સુભાષબ્રિજ પાસે એન્જિનિયરની ચા નામનો આ ટી સ્ટોલ એકતરફ ડિગ્રી એન્જીનિયરીંગ ભણેલા યુવાનમાં રહેલી કઈક કરવાની હિંમતને દર્શાવી રહ્યો છે. સાથે સાથે આપણી સિસ્ટમમાં રહેલા શિક્ષિત બેરોજગારને નોકરી નહીં મળવાની વ્યથા પણ દર્શાવી રહ્યો છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી સંલગ્ન હસમુખ ગોસ્વામી કોલેજમાં અમદાવાદના મેઘાણી નગરમાં રહેતા રોનકે ઇલેક્ટ્રિકલ ડિગ્રી એન્જીનિયરિંગનો અભ્યાસ કર્યો છે.


2015થી ડિગ્રી ભણેલાં રોનકે ઘણી કંપનીઓમાં નોકરી મેળવવાનો પ્રયાસ કર્યો હતો પણ અનુભવ નહીં હોવાના કારણે તેને માત્ર 6થી 7 હજારના પગારની ઓફર થઈ હતી. અભ્યાસ પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ યોગ્ય પગાર વાળી નોકરી ના મળી. આખરે રોનકે સુભાસબ્રિજ પાસે એન્જીનિયરની ચા નો ટી સ્ટોલ શરૂ કર્યો છે.


રોનકનું કહેવું છે કે મેં પ્રાઇવેટ કંપનીઓમાં નોકરી શોધવાનો પ્રયાસ તો કર્યો સાથે-સાથે સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ પ્રયાસ કરી જોયો. આટઆટલી મહેનત છતાં નોકરી મળી ન હતી. તે કહે છે કે તેના જેવા કેટલાય યુવાનોની આ વ્યથા છે. જોકે હાલ મેં ચા ના સ્ટોલથી શરૂઆત કરી છે અને મારા આ બિઝનેસની શરૂઆત આગળ સફળતાનાં દ્વાર ખોલશે.