

અમદાવાદ : પાકિસ્તાન કેવું છે? પાકિસ્તાનનાં લોકો કહેવા હશે? પાકિસ્તાનનાં લોકો શું વિચારે છે? આ તમામ પ્રશ્નો કોઈપણ વ્યક્તિના દિમાગમાં આવે. પરંતુ આ પ્રશ્નો જવાબ શોધવા માટે દરેક વ્યક્તિ માત્ર ઈન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરતો હોય છે. અમદાવાદના વિરલ પટેલ અને પાર્થ ભાવસારે આ સવાલનો જવાબ શોધવા કંઈક હટકે કર્યુ. બંને આર્ટિસ્ટે શાંતિનો સંદેશ પહોંચાડવા માટે પહોંચી ગયા પાકિસ્તાન હતા. પાકિસ્તાનનાં કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં જઈને બંને આર્ટિસ્ટે તાનપૂરા પર સાદાબ અને કલામનું પર્ફોમન્સ આપીને સૌ કોઈનાં દિલ જીતી લીધા હતા.


પાકિસ્તાનમાં જ્યુસના ભાવ 1 ગ્લાસના 250 રૂપિયા : અમદાવાદથી અમૃતસર અને ત્યારબાદ પાકિસ્તાન બાય રોડ પહોંચેલાં વિરલ પટેલે ન્યૂઝ18 સાથે પાકિસ્તાની સફરને વર્ણવી હતી. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનનાં લોકો સંગીત વિશે શું વિચારે છે તે અમે જાણવા માટે પહોંચ્યા હતા. તેમનું નવું આલ્બમ શાંતિના સંદેશ પર હોવાથી તેઓ પાકિસ્તાનના લોકોના વિચારો જાણવા માંગતા હતા. આર્ટિસ્ટ વિરલ પટેલનાં કહેવા પ્રમાણે પાકિસ્તાનમાં દરેક વસ્તુનાં ભાવ આસમાને છે. અહીં તેમણે બીટનો ગાજરનો જ્યુસ મંગાવ્યો હતો. તેના 1 ગ્લાસના 250 રૂપિયા લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં 1 પિત્ઝાનો ભાવ 2000 રૂપિયા છે. ભારતમાં 40 હજારમાં મળતો કોઈપણ મોબાઈલ પાકિસ્તાનમાં દોઢ લાખમાં મળે છે.


કેવી રીતે પહોંચી શકાય છે કરતારપૂર સાહિબ? : આર્ટિસ્ટ પાર્થ ભાવસારનાં જણાવ્યા પ્રમાણે ગુરુ નાનક દેવજીની 550ની જંયતિ નિમિત્તે શિખ શ્રદ્ધાળુઓ માટે કરતારપુર કોરિડોર નવેમ્બરમાં ખોલવામાં આવ્યો હતો. આ કોરિડોરના ખુલવાથી ભારતીય શિખ સમુદાયનાં લોકો વિઝા વગર ગુરુદ્રારામાં માથું ટેકવી શકે છે. શિખ સમુદાય 70 વર્ષથી દર્શન વિઝા વગર દર્શન કરવા જવા માટે માંગ કરી રહ્યું હતું. કોરિડોર ખુલ્યા બાદ શ્રદ્ધાળુઓને સીમા પર એક સ્લીપ આપવામાં આવે છે. જેનાં આધાર પર કરતારપુર સાહિબ આસાનીથી પહોંચી શકાય છે. જ્યાં માથું ટેકવીને સાંજે પરત ફરી શકાય છે.


શું છે કરતારપુર સાહિબનું મહત્વ? : કરતારપુર સાહિબ શિખોના સૌથી પવિત્ર તીર્થ સ્થાનોમાંનું એક છે. અહીં શીખોનાં પ્રથમ ગુરુ નાનક દેવજીનું નિવાસ સ્થાન હતું. જ્યાં તેઓ એક જ્યોતમાં સમાઈ ગયા હતા. જે બાદ તેમની યાદમાં અહીં ગુરુદ્રારા બનાવવામાં આવ્યું હતું. કોરિડોર ખુલ્યું તે પહેલાં ભારતીયો આ ગુરુદ્રારાનાં દર્શન દૂરબીનથી કરતાં હતા.