

હર્મેશ સુખડિયા, અમદાવાદ : અમદાવાદ: જરૂરિયાત મંદ સાથે પણ ઠગબાજો એવી કરતુત અપનાવી ઠગાઈ કરતા હોય છે કે એ કિસ્સા સાંભળી દંગ રહી જવાય. અમદાવાદના એક વેપારીએ ઠગબાજો સામે ફરિયાદ નોંધાવી છે. તેમને લોનની જરૂર હોવાથી ઓનલાઈન સર્ચીગ કર્યું હતું. બાદમાં બેંકના નામે ભળતો ફોન આવ્યો અને આ વેપારી પાસેથી 3 લાખની લોનની સામે અલગ અલગ ચાર્જ ના નામે 1.81 લાખ ગઠિયાઓએ પડાવી લેતા વેપારી ઠગાઈનો ભોગ બન્યા હતા.


શાહીબાગમાં આવેલા સિદ્ધિ એપાર્ટમેન્ટ માં રહેતા અંકિતભાઈ શર્મા કાલુપુરમાં આવેલા સાકર બજારમાં પિતા સાથે કાપડનો ધંધો કરે છે. તેઓને થોડા સમય પહેલા પર્સનલ લોનની જરૂર હોવાથી તેમણે અનેક બેંકોનું ઓનલાઈન સર્ચ કર્યું હતું. તે માહિતીઓ મેળવતી વખતે વેપારી અંકિતભાઈએ એક ભૂલ કરી હતી.


તેઓ સર્ચિંગ કરતા હતા ત્યારે તેમણે પોતાની બેન્ક વિગતો, આધાર કાર્ડ, પાન કાર્ડની વિગતો અને ઇન્કમની વિગતો પણ ભરી હતી. અને તેના આધારે જ એક દિવસ અજાણ્યા નમ્બર પરથી ફોન આવ્યો અને પોતે યસ ફાયનાન્સમાંથી બોલે છે કહીને અંકિતભાઈને જણાવ્યું કે તેમની 3 લાખની લોન મંજુર થઈ ગઈ છે.


બાદમાં અંકિતભાઈ પાસે ફોન કરનાર વ્યક્તિએ લોન ફી, પ્રોસેસ ફી, એપૃવલ ફી ના નામે પૈસા પડવાનું શરૂ કર્યું હતું. અનેક ઘણા રૂપિયા પડાવી લીધા બાદ એક બાદ એક ચાર્જ ઠગબાજો વસુલતા હતા જેથી અંકિતભાઈએ લોન ન કરવાનું કહી આ તમામ ભરેલા નાણાં પરત માંગ્યા હતા.


બાદમાં ગુગલ પર સર્ચ કરીને યસ ફાયનાન્સ નો નમ્બર મેળવીને તેમણે આ ફરિયાદ કરી હતી. તો તે નંબરો પર વાત કરનારે કહ્યું કે તેમને જે નમ્બર પરથી ફોન આવ્યા હતા તેઓ યસ ફાયનાન્સમાં જ નોકરી કરતા હતા પણ બાદમાં નોકરી છોડીને લોકો સાથે ફ્રોડ કરે છે.


ફોન પર વાત કરનારે કહ્યું કે તેઓ તમામ ભરેલી રકમ લોન કિંમત સાથે પરત કરી દેશે. અંકિતભાઈ ને ખ્યાલ ન હતો કે આ વખતે પણ ફ્રોડ કરનાર જ ટોળકીના સભ્યો વાત કરે છે. અને અંકિતભાઈ ને લોન કેન્સલની રકમ અને અલગ અલગ બહાના કરી રૂપિયા ભરાવ્યા હતા. આ તમામ અલગ અલગ બહાને ઠગ ટોળકી એ 1.81 લાખ રૂપિયા પડાવી લેતા આખરે અંકિતભાઈએ પોલીસનો સહારો લીધો હતો. કાલુપુર પોલીસસ્ટેશનમાં આ તમામ પુરાવા આપી ફરીયાદ કરતા હવે પોલીસે તપાસ હાથ ધરી છે.