

અમદાવાદ, સંજય ટાંક : શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની ફી ને લઈ ખાનગી શાળા સંચાલકોની દાદાગીરીનો વિવાદ શમ્યો નથી ત્યાં હવે ખાનગી મેડિકલ કોલેજોની ફી મામલે મનમાની સામે આવી છે. ખાનગી મેડિકલ કોલેજોના સત્તાધીશોએ ફી ની કડક ઉઘરાણી કરતા અને ફી નહીં ભરે તો વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા નહીં દેવાની ધમકી આપતા વિવાદ વધુ વકર્યો છે.


રાજ્યમાં સેલ્ફ ફાયનાન્સની 22 જેટલી મેડિકલ કોલેજોમાં 14 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. 22 સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં 3 લાખથી લઈ 18 લાખ સુધી છે ફી લેવામાં આવી રહી છે. હાલમાં જે કોરોનાની મહામારી ચાલી રહી છે અને કોરોનાની આ મહામારી ડામવામાં કોરોના વોરિયર્સ મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. પરંતુ અહીં વાત છે ફ્યૂચરના કોરોના વોરિયર્સની. જેમનું ભાવિ ખતરામાં હોય તેવું તેમને અને તેમના વાલીઓને લાગી રહ્યું છે. કારણ કે રાજ્યની ખાનગી મેડિકલ કોલેજોએ હવે પોતાની મનમાની શરુ કરી દીધી છે અને એડવાન્સ ફી ભરવા વિદ્યાર્થીઓને દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો ઘટસ્ફોટ વિદ્યાર્થીઓએ કર્યો છે.


નામ નહીં આપવાની શરતે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેમને ફી નહીં ભરે તો પરીક્ષામાં નહીં બેસવા દેવાની ધમકી આપવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાયનાન્સ મેડિકલ સ્ટુડન્ટસ યુનિયન બનાવ્યું છે .જેમની માંગ છે કે ફી માં 40 થી 50 ટકા રાહત આપવામાં આવે. અનેક રજુઆત છતાં સરકાર વિદ્યાર્થીઓનું સાંભળતી નથી વિદ્યાર્થીઓ એક સેમિસ્ટરની 1.5 લાખથી 8 લાખ સુધીની ફી ભરે છે. 5 હજાર જેટલા વિદ્યાર્થીઓને ફી ભરવામાં મુશ્કેલી પડી રહી છે. ફીમાં રાહત નહીં મળે તો 5 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ છોડવા મજબૂર બનશે. અનેક વિદ્યાર્થીઓ લોન લઈને અભ્યાસ કરે છે.


કોરોનાના કારણે ગુજરાતની તમામ મેડિકલ કોલેજો 23 માર્ચ 2020થી બંધ છે. લોકડાઉનના સમય દરમિયાનની ફી એડવાન્સમાં ભરી દીધી પણ એક દિવસ પણ શિક્ષણકાર્ય થયું નથી. હવે ફરીથી નવા સેમેસ્ટરની ફી એડવાન્સમાં ભરવા કોલેજો દ્વારા દબાણ કરાઈ રહ્યું છે. મહત્વનું છે કે હાલમાં આ વિદ્યાર્થીઓ અલગ અલગ કોરોના સેન્ટર માં સેવા આપી રહ્યા છે. અને ભવિષ્યના કોરોના વોરિયર્સ છે ત્યારે સરકાર સામે તેઓ એ મદદની ગુહાર લગાવી છે.