

રાજ્યમાં (Gujarat) આગામી ગુરૂવાર તારીખ 18મી ફેબ્રુઆરી 2021થી ધોરણ 6થી 8ના વર્ગખંડોમાં પુનઃ શિક્ષણ (Schools Reopening)કાર્ય શરૂ કરવામાં આવશે. શિક્ષણ વિભાગે આ અંગે બહાર પાડેલા ઠરાવમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં આવેલ તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓના ધોરણ 6થી8 માટે વર્ગખંડ શિક્ષણ પુનઃ શરૂ કરવાનું રહેશે. નોંધ : આ તસવીર પ્રતિકાત્મક છે.


શિક્ષણ સચિવ વિનોદ રાવે આ ઠરાવના સંદર્ભમાં વધુ વિગતો આપતા જણાવ્યું કે, રાજ્યમાં આવેલ તમામ બોર્ડ ની પ્રાથમિક શાળાઓ એટલે કે ધોરણ 6થી8નાં વર્ગોમાં ભૌતિક શિક્ષણ કાર્ય શરૂ કરવા સાથે આવી શાળાઓએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારની ગાઇડ લાઇન્સ તેમજ રાજ્યના શિક્ષણ વિભાગની તારીખ 8મી જાન્યુઆરી-2021ના જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું છે.


શિક્ષણ સચિવે સ્પષ્ટપણે જણાવ્યું કે આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે તેમજ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શિક્ષણમાં ન જોડાય તેમના માટે ઓનલાઇન ક્લાસીસની હાલની વ્યવસ્થા સંબંધિત સંસ્થા-શાળાઓએ ચાલુ રાખવાની રહેશે એમ પણ ડૉ. વિનોદ રાવે ઉમેર્યું હતું.


કોરોના સંક્રમિત થાય તેવા વિદ્યાર્થી-શિક્ષક કે અન્ય સ્ટાફને શાળાએ ન આવવા તેમજ કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલી શાળાઓ શરૂ ન કરવાની સૂચનાઓ પણ શિક્ષણ વિભાગના ઠરાવમાં આપવામાં આવી છે તેમ શિક્ષણ સચિવે જણાવ્યું હતું. ધોરણ 6થી8નાં વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય, દરેક વિદ્યાર્થી , શિક્ષકગણ માસ્કનો ફરજિયાત ઉપયોગ કરે તેમજ SOPની અન્ય બાબતોનું પણ પાલન થાય તેની ખાસ તાકીદ પણ કરવામાં આવી છે. પ્રતિકાત્મક તસવીર


કોરોનાની સ્થિતિમાં સુધારો થતાં ત્યારબાદ ક્રમશઃ વર્ગખંડ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. તદઅનુસાર ગત તારીખ ૧૧ જાન્યુઆરીથી રાજ્યમાં ધોરણ 10-12 અને સ્નાતક અનુસ્નાતક કક્ષાના અંતિમ વર્ષના વર્ગખંડ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ધોરણ 9 અને 11ના વર્ગખંડો તારીખ 1લી ફેબ્રુઆરીથી પુનઃ શરૂ થઈ ગયા છે તેમજ તારીખ 8મી ફેબ્રુઆરીથી કોલેજના પ્રથમ વર્ષના વર્ગો પણ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.