ક્રાઈમ બ્રાન્ચની પકડમાં આવેલા આરોપી ભરત ગૌડ, રાહુલ ગૌડ, નીતિન ગૌડ, બ્રિજમોહન ગૌડ અને આશિષ વિશ્વકર્માની સંડોવણી સામે આવતા તેમની ધરપકડ કરવામા આવી છે. આરોપી ભરત અને રાહુલ બે સગા ભાઈ છે તો નીતિન તેનો સાળો હોવાનુ સામે આવ્યું છે. ભરત અને રાહુલની બહેનના લગ્ન હોવાથી સાસરિયા પક્ષે બુલેટ, ફ્રિજ અને ટીવીના દહેજની માંગણી કરી હતી. જે માટે તેને રૂપિયાની જરૂર ઉભી થઈ હતી.
ભરત ગત 14 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી મૃતક અશોકભાઈના ઘરે ફર્નિચર કામ માટે ગયો હતો. ત્યાં તેને નીતિનને પણ બોલાવ્યો હતો. તે સમયે મૃતકનો પરિવાર દુબઈ રહેતો હોવાનું સામે આવતા 15 દિવસ ચોરીનું પ્લાનિંગ કરી રેકી કરવામા આવી હતી. ત્યાર બાદ ચોરીના ઈરાદે ઘરમાં ઘુસ્યા હતા. રાત્રે કર્ફ્યૂ હોવાથી વહેલી સવારનો સમય પસંદ કર્યો હતોય રેકી કરવા તથા ગુનાને અંજામ આપવા વડોદરાથી 3 બાઈક અને 20 જેટલા મોબાઈલની ચોરી કરી હતી. જેમાથી બે બાઈકનો ઉપયોગ કર્યો હતો. ઘટનાના દિવસે ભરતને છોડી અન્ય 4 આરોપી રાહુલ, નીતિન, આશિષ અને બ્રિજમોહન વૃદ્ધના ઘરમા ગયા હતા. ફર્નિચરના ફોટા પાડવાના બહાને ઘરમાં ઘૂસી અશોકભાઈને બેભાન કર્યા હતા. બાદમાં જ્યોત્ષના બેને પ્રતિકાર કરતા ઘણા ઘા મારી હત્યા નિપજાવી 12 હજારની લૂંટ ચલાવી હતી. બેભાન થયેલા અશોકભાઈને પણ ઘા મારી ફરાર થયા હતા. પરંતુ કાર અથડાતા બાઈક પર ભાગી ગયા હતા. ઉલ્લેખનીય છે કે બનાવ સમયે નીતિન પોતાના મિત્ર રવિ શર્માને તમામ માહિતી આપી રહ્યો હતો.
આ ઘટનાને અંજામ આપ્યા બાદ 4 આરોપી અલગ અલગ બે બાઈક પર નીકળ્યા હતા. જેમાં તેઓ વૈષ્ણોદેવી એકઠા થયા હતા. ત્યાર બાદ ત્યાથી હિંમતનગર, ચિત્તોડગઢ રોકાયા હતા. જોકે પોલીસની ગંધ આવતા પોતાના વતન જતા રહ્યા હતા પરંતુ પોતાના ઘરે ન રોકાઈ એક દિવસ જંગલ અને મંદિરમાં રાત વિતાવી હતી. જોકે પોલીસે ખૂબ જ મહેનત કરી 5 આરોપીને અલગ અલગ રાજ્યમાંથી ઝડપી તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમા હત્યા માટે વાપરેલી છરી પાવાગઢ થઈ ખરીદી હોવાનુ સામે આવ્યુ છે. આ ગુનામા હાલમાં એક આરોપી રવિ શર્મા ફરાર છે. જેની તપાસ કરવામા આવી રહી છે.