

ગુજરાતીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે તે સી પ્લેન (seaplane) આજે અમદાવાદ (Ahmedabad) પહોંચી જશે. ભારતનું સૌપ્રથમ સી પ્લેન (Indias first seaplane) ગુજરાતીઓ સહિત વિશ્વના લોકોને અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Ahmedabad Sabarmati riverfront to Kevadia, Statue of Unity) ખાતે લઇ જશે. 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જયંતિ છે. તે દિવસને એકતા દિવસ તરીકે પણ ઉજવાય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કેવડિયા ખાતેથી સી પ્લેનનું ઉદ્ઘાટન કરાવશે. પીએમ મોદી સી પ્લેન દ્વારા અમદાવાદથી કેવડિયા પહોંચશે.


નોંધનીય છે કે, સી પ્લેને રવિવારે સવારે માલ્દિવ્સના મેલ ખાતેથી ટેક્ ઓફ કર્યું હતું. આ પછી સી પ્લેન રવિવારે બપોરે કોચીના વેન્ડુરથી ખાતે પહોંચ્યું હતું. જ્યાં ઈંધણ પુરાવ્યા બાદ સી પ્લેન સાંજના ગોવા પહોંચ્યું હતું. હવે સોમવારે સવારે સી પ્લેન ગોવાથી અમદાવાદ પહોંચશે.


આગામી 28 અને 29 ઓક્ટોબર દરમિયાન સી પ્લેનનું અમદાવાદ-કેવડિયા વચ્ચે ટ્રાયલ રન કરવામાં આવે તેની સંભાવના છે. સી પ્લેન માટેના બંને પાયલટ હાલમાં વિદેશના છે. આ પાયલટ દ્વારા જ આગામી 6 મહિના ઉડ્ડયન કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે, સી-પ્લેન માટે અમદાવાદથી કેવડિયાનું ભાડું 4800 રૂપિયા નક્કી કર્યું છે. ત્યારે સામાન્ય માણસ આ સીપ્લેનમાં કઇ રીતે બેસી શકશે એ પ્રશ્ન બધાને અકળાવશે. મહત્વનું છે કે, મલેશિયાથી રવાના થયેલા સી પ્લેન માટેના એરક્રાફ્ટમાં 6 ક્રુ મેમ્બર્સ છે.


દેશના પ્રથમ સી-પ્લેન માટે અમદાવાદ રિવરફ્રન્ટ તથા કેવડિયા ખાતે વોટર એરોડ્રામ બનાવી દેવામાં આવ્યું છે. અમદાવાદનાં એરોડ્રામ માટે બે માળની કાચની ઓફિસ, ટિકિટ કાઉન્ટરની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત 48 મીટર લાંબી, 9 મીટર પહોળી અને 1 મીટર જાડી જેટી પણ બની ગઈ છે. કેન્દ્રિય મનસુખ માંડવિયાએ દિલ્હી ખાતેથી જણાવ્યું કે, 'ભારતની સૌપ્રથમ સી પ્લેન સર્વિસ 31 ઓક્ટોબરના સાબરમતી રીવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે શરૂ થઇ શકે છે. આ માટે તરતી જેટ્ટી સહિતની તમામ માળખાગત કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. સી પ્લેનથી પ્રવાસનને વેગ મળશે. ' 19 સીટર સી પ્લેનમાં હાલમાં 12 મુસાફરોને બેસાડવામાં આવશે.