

સંજય ટાંક, અમદાવાદ : હંમેશા વિવાદમાં રહેતી ગુજરાત યુનિવર્સિટી ઓનલાઇન પરીક્ષાને લઈ ફરી વિવાદમાં આવી છે. ઓનલાઇન પરીક્ષામાં સર્વરમાં ખામીને કારણે ઘણા વિદ્યાર્થીઓ લોગ ઇન ના થઇ શકતા પરીક્ષાના આયોજનને લઈ યુનિવર્સિટીનો છબરડો સામે આવ્યો છે. સ્કેનરમાં ટેકનિકલ ખામીને કારણે લોગ ઇન એરર સર્જાઈ હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે પરંતુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહેતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો.


ગુજરાત યુનિવર્સિટીની સેમિસ્ટર 3 અને 5ની ઓનલાઇન પરીક્ષા શરૂ તો થઈ પણ પરીક્ષાના પહેલા દિવસે જ ટેકનિકલ ખામી સામે આવતા પરીક્ષામાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે. ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાની પરીક્ષામાં મોટાપાયે છબરડાઓ સામે આવ્યા છે. બીકોમ સેમેસ્ટર 3 અને 5, બીસીએ, એમકોમ સહિતની પરીક્ષામાં ફેસ સ્કેનિંગમાં ટેક્નિકલ ખામીને કારણે લોગ ઇન એરર સર્જાઈ હતી.


વિદ્યાર્થીઓના ફેસ સ્કેન ના થતા વિદ્યાર્થીઓ લોગ ઇન થઈ શક્યા નહોતા. બીજી તરફ સર્વરમાં ખામી હોવાને કારણે અનેક વિદ્યાર્થીઓએ 50 વખત લોગ ઇન કરવાનો પ્રયાસ કર્યો છતાં લોગ ઇન થઈ શક્યું ન હતું પરીક્ષા ના આપી શકનાર વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટી ખાતે હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે કેટલાક વિદ્યાર્થીઓ 10થી 15 મિનિટ લોગ ઇન થઈ શક્યા નહોતા. સર્વરમાં ખામી હોવાને કારણે મોડું લોગ ઇન થતા વિદ્યાર્થીઓને 10થી 15 પ્રશ્નો જતા રહ્યા હતા. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ ચાલુ પરીક્ષાએ ઓટોમેટિક લોગ આઉટ થઈ ગયા હતા અને ત્યાર બાદ લોગ ઇન થઈ શક્યા નહોતા. તો આ વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપી શકશે કે નહીં તે પણ મોટો સવાલ ઉભો થયો છે.


આ અંગે ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા નિયામકે જણાવ્યું હતું કે બીકોમમાં કેટલાક વિદ્યાર્થીઓની ફરિયાદ મળી છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નથી તેમના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે તેવી સાંત્વના આપી હતી. મહત્વનું છે કે આ ઓનલાઇન એકઝામ વિચિત્ર નિયમોને કારણે વિવાદોમાં સપડાઇ ચૂકી છે. ઓનલાઇન પરીક્ષામાં 1 પ્રશ્ન માટે 1 મિનિટ અને 50 પ્રશ્નો માટે 50 મિનિટ ફાળવવાની નિયમનો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો.