સંજય જોશી, અમદાવાદ: અમદાવાદીઓ કોરોના પ્રત્યે કેટલા સજાગ છે તેમજ કોરોના ગાઇડલાઇન (Corona Guideline)નું કેટલું પાલન કરે છે તે જોવા માટે ન્યૂઝ18 ગુજરાતી તરફથી રિયાલિટી ચેક (Reality Check) કરવામાં આવ્યું હતું. રિયાલિટી ચેક દરમિયાન જે વસ્તુ સામે આવી હતી તે ખરેખર ચિંતાજનક છે. આ દરમિયાન લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) અને માસ્ક (Mask) વગર જોવા મળ્યા હતા. લોકોને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે શા માટે આ રીતે વર્તી રહ્યો છો ત્યારે તેમણે જે જવાબ આપ્યા તે સાંભળીને જ ચક્કર આવી જાય. ઉલ્લેખનીય છે કે રાજીવ ગુપ્તા (Rajiv Gupta) તરફથી એક દિવસ પહેલા જ નિવેદન આપવામાં આવ્યુ હતું કે પ્રહલાદનગર, એસ.જી. હાઇવે અને સિંધુ ભવન રોડ જેવા પોશ વિસ્તારોમાં યુવાનો ટોળે વળીને બેસે છે. આ લોકો કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરતા નથી. ન્યૂઝ18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં આ વાત બિલકુલ સાચી ઠરી છે.
અમદાવાદીઓ કોરોના ગાઇડલાઇનનું કેટલું પાલન કરે છે તે જોવા માટે અમારી ટીમ અમદાવાદના પોશ ગણાતા એવા વસ્ત્રાપુર અને આઈઆઈએમ રોડ વિસ્તારમાં પહોંચી હતી. અહીં ચાની કીટલી, નાસ્તાનાં ઠેલા ઉપર તથા જાહેરમાં લોકોનાં ટોળા જોવા મળ્યા હતા. લોકોને જાણે કોરોના મહામારીની કંઈ પડી જ ન હોય તે રીતે તેઓ ટોળે વળીને ગપ્પા મારતા નજરે પડ્યા હતા. લોકો સાથે સેલ્ફી લેતા પણ નજરે પડ્યા હતા.
અમારા સંવાદદાતાએ તેમને સવાલો પૂછ્યા ત્યારે સામે જવાબો પણ એવા મળ્યા કે સાંભળીને આ નબીરાઓમાં વાલીઓ પર શરમાઈ જશે. કોઈકે કહ્યું કે માવો ખાવા માટે માસ્ક કાઢ્યું છે, કોઈકે કહ્યું કે સિગારેટ પીવા માટે માસ્ક કાઢ્યું છે. કોઈકે કહ્યું કે ઘણા દિવસોથી મિત્રો મળ્યા એટલે ભેગા થઈને સેલ્ફી લેતા હતા. વળી કોઈએ કહ્યું કે લૉકડાઉન બાદ પહેલીવાર મળ્યા એટલે સાથે બેઠા છીએ. કોઈએ કહ્યું કે થોડીવાર માટે જ માસ્ક કાઢ્યું છે.
ન્યૂઝ18ના રિયાલિટી ચેકમાં લોકો ટોળે વળેલા જોવા મળ્યા હતા. ચાની કીટલી ઉપર પણ સાથે ચૂસકી મારતા ટોળામાં જોવા મળ્યા હતા. અમુક લોકોએ તો માસ્ક ન પહેરવા બદલ સવાલ પૂછવા આવતા એવું કહ્યું કે, તમે અમને સવાલ શા માટે પૂછો છો? અમારી મરજી, અમે માસ્ક પહેરીએ કે ના પહેરીએ. કેટલાક યુવાનો તો અમારા સવાલના જવાબો પણ આપી શક્યા ન હતા, કારણ કે તેઓને સમજાઈ ગયું હતું કે તેઓ કંઈક ખોટું કરી રહ્યા છે.
સાચા અર્થમાં આ તમામ રિયાલિટી ચેક ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે કે આઇઆઇએમ અને વસ્ત્રાપુર જેવા પોશ ગણાતા વિસ્તારમાં લોકોને કોરોના વધુમાં વધુ પ્રસરે એમાં જ રસ છે! રાજીવ ગુપ્તાએ કહ્યુ હતુ કે, પોશ વિસ્તારના યુવાનો અને લોકો કોરોના ગાઇડલાઇન બાબતે ધ્યાન રાખતા નથી. તેમની આ વાત બિલકુલ સાચી ઠરી છે. જો લોકો આવી જ રીતે વર્તન કરશે તો અમદાવાદમાં હજુ પણ કોરોના વકરે તો નવાઈ ન પામતા!