અમદાવાદ : રાજ્યમાં બે દિવસથી વરસાદે (Gujarat Monsoon 2020) થોડો વિરામ લેતા ખેડૂતો (Farmers) અને લોકોને હાશકારો થયો છે. અનેક જગ્યાએ તો ખેડૂતોનો ઊભો પાક સતત વરસાદને પગલે બગડી ગયો છે. ત્યારે હવામાન વિભાગ (IMD) તરફથી ફરી રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ દરમિયાન અમદાવાદ શહેરમાં પણ મધ્યમ વરસાદ જોવા મળશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લૉ પ્રેશરને કારણે વરસાદ આવશે. સમુદ્રમાં બનેલી વરસાદી સિસ્ટમ મધ્ય પ્રદેશ તરફ આવી રહી છે. જેના પગલે 29થી પહેલી સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવમાં આવી છે.
નવસારીના ખેડૂતો માટે મોટા સમાચાર : નવસારી જિલ્લામાં ત્રણ દિવસના વિરામ બાદ આજે શુક્રવારે સવારથી ફરી વરસાદ શરૂ થયો છે. જેમાં આજે નવસારી સહિત ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જિલ્લાનો જૂજ ડેમ ઓવરફ્લો થયો છે. જૂજ ડેમ ઓવરફ્લો થતા ચીખલી તેમજ વાંસદા તાલુકાના ખેડૂતોને આખા વર્ષ દરમિયાન સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે. આ સાથે જ વાંસદા, ચીખલી, તેમજ ગણદેવીના 24 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જૂજ ગામ ખાતે આવેલો જૂજ ડેમ 167.55 મીટરે ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા જ 84.650 ક્યુસેક પાણી કાવેરી નદીમાં જઈ રહ્યું છે.
અંબાલાલ પટેલની આગાહી : બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી કરી છે રાજ્યમાં 26 થી 29 ઓગસ્ટ સુધી વરસાદનું જોર ઘટશે. આ ઉપરાંત 30 ઓગસ્ટથી વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત રાજ્યના કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે. ચોથી સપ્ટેમ્બરના દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. જે બાદમાં 7 થી 12 સપ્ટેમ્બર સુધી ફરી વરસાદ પડશે.