

હર્મેશ સુખડિયા, અમદાવાદ : ભલે ને ગુજરાતમાં દારૂબંધી હોય પણ પોલીસ માટે તો ક્યાં કોઈ બંધી નડે જ છે. આ વાત સાર્થક કરતી ઘટના સાબરમતીમાં બની હતી. રાણીપ પોલીસ સ્ટેશનનો એક કોન્સ્ટેબલ દારૂ પીને એક સોસાયટીમાં યુવતીને લઈને ઘુસી ગયો હતો. કોઈકના ઘરમાં આ કોન્સ્ટેબલ ઘુસી જતા લોકોએ તેને પકડી રાખ્યો અને તેનો વારો પાડી દીધો હતો. બાદમાં પોલીસને જાણ કરાતા સાબરમતી પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.


શહેરના રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ચાવડા આજે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. સાબરમતીમાં આવેલા ધર્મનગર સોસાયટીમાં એક વ્યક્તિના ઘરમાં સ્ટોર રૂમમાં યુવતીને લઈને આ કોન્સ્ટેબલ ઘુસી ગયો હતો. સ્થાનિક મહિલા જાગી જતા કોન્સ્ટેબલ અને યુવતીને જોઈને ગભરાઈ જતા લોકોને બોલાવ્યા હતા. લોકોએ કોન્સ્ટેબલને પકડીને તેને ખખડાવ્યો હતો.


મોડી રાત્રે બનેલા આ બનાવમાં લોકોએ સાબરમતી પોલીસને જાણ કરતા પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહને લઈ ગઈ હતી. તેની સામે પ્રોહીબિશન નો ગુનો નોંધી ધરપકડ કરી હતી.


પોલીસનું કહેવું છે કે ધર્મનગર વિભાગ 2 માં મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ એક વૃદ્ધા જાગી જતા તેમના ઘરના સ્ટોરરૂમનો દરવાજો ખુલ્લો જોતા બહાર તપાસ કરી હતી. બહાર પગરખા પડયા હોવાથી પરિવારને જગાડ્યો હતો. સ્ટોરરૂમમાં જોતા પોલીસની વર્ધી પહેરેલો એક યુવક અને તેની સાથે એક યુવતી હતી. બહાર રોડ વચ્ચે જ ગાડી ઉભી રાખી આ બને ઘરમાં ઘુસી ગયા હતા. બાદમાં પોલીસને જાણ કરાતા ઉપેન્દ્રસિંહ ચાવડા સામે કાર્યવાહી કરી હતી. ઉપેન્દ્રસિંહ શાહીબાગ પોલીસ લાઈનમાં રહે છે. તેની નોકરી પીસીઆર વાનમાં નાઈટમાં હતી પણ તે ગેરહાજર મળી આવ્યો હતો.