અમદાવાદ: વડાપ્રધાન મોદી (PM Narendra Modi) ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે. જોકે, આ મુલાકાત અમુક કલાકો માટે જ હશે. હાલ કોરોના સામે લડવા માટે દેશમાં અલગ અલગ જગ્યાએ વેક્સીન (Corona Vaccine) નિર્માણનું કામ ચાલી રહ્યું છે. અમદાવાદ ખાતે ઝાયડસ (Zydus Cadila ZyCoV-D) દ્વારા પણ કોરોનાની વેક્સીન બનાવવામાં આવી રહી છે. પીએમ મોદી વેક્સીનના નિર્માણની કાર્યવાહીનું નિરીક્ષણ કરવા માટે અમદાવાદ આવી રહ્યા છે. અમદાવાદથી તેઓ ચાંગોદર ખાતે આવેલા ઝાયડસના પ્લાન્ટની પણ મુલાકાત લેશે.
ઝાયડસ ખાતે હેલિપેડ તૈયાર કરવાની કામગીરી શરુ : વડાપ્રધાનની મુલાકાતને પગલે ઝાયડસ કંપની ખાતે આવેલા ગ્રાઉન્ડમાં તાત્કાલિક હેલિપેડ બનાવવામાં આવી રહ્યું છે. સવારથી જ હેલિપેડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત ઝાયડસ ખાતે પીએમ આવવાના હોવાથી સુરક્ષાની ચકાસણી માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઝાયડસના પ્લાન્ટ ખાતે પહોંચી ગયા છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.
પીએમ મોદી શનિવારે સવારે નવ વાગ્યે વિશેષ વિમાન મારફતે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જે બાદમાં અહીંથી જ તેઓ એક વિશેષ હેલિકોપ્ટરમાં ચાંગોદર ખાતે આવેલા ઝાયડસના પ્લાન્ટ ખાતે જશે. અહીં તેઓ કોરોનાની બનાવવામાં આવી રહેલી વેક્સીન અંગે માહિતી મેળવશે તેમજ પ્લાન્ટનું નિરીક્ષણ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી અહીંથી જ રસી અંગે કોઈ મોટી જાહેરાત પણ કરી શકે છે.
આ મામલે પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પીએમ કોરોનાની રસીનું નિરીક્ષણ કરવા માટે ગુજરાત આવી રહ્યા છે. અહીંથી તેઓ પુનાની સીરમ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત પણ લેવાના છે. પીએમ દેશની 130 કરોડની જનતાને કોરોનાથી બચાવવા માટે સતત નિર્ણયો લઈ રહ્યા છે. હાલ રસીના નિર્માણનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ કામના નિરીક્ષણ માટે તેઓ અહીં પધારી રહ્યા છે. ગુજરાત સરકાર પર સતત તેમના માર્ગદર્શન હેઠળ કામ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ઝાયડસ હાલ કોરોનાની રસી તૈયાર કરી રહ્યું છે. આ રસી ઝાયકોવિ-ડી (ZyCoV-D) તરીકે ઓળખાશે. ઝાયડસની આ રસી અન્ય રસી કરતાં અલગ છે. ઝાયકોવિ-ડી પ્લાસ્મીડ ડીએનએ આધારિત રસી છે. હાલ આ રસીનું બીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું હોવાની માહિતી મળી છે. પીએમ મોદીની પુના અને અમદાવાદની મુલાકાતને કોરોના રસીના ઇમરજન્સી ઉપયોગને છૂટ આપવા સાથે જોડીને જોવામાં આવી રહી છે. વિશ્વના અન્ય દેશોમાં કોરોના રસીના ઇમરજન્સી ઉપયોગની છૂટ આપવામાં આવી રહી છે ત્યારે ભારત પણ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.