

ગુજરાતમાં દિવાળી બાદ કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણ ઘણું જ વધી રહ્યું છે ત્યારે અમદાવાદના ચાંગોદર (changodar) ખાતે આવેલી ઝાયડસ કેડિલા કંપની દ્વારા કોરોનાની વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે. આ વેક્સીનની સમીક્ષા કરવા માટે પીએમ મોદી આવી પહોંચ્યા. તેમના કાર્યક્રમ અંગે વાત કરીએ તો પીએમ મોદી (PM Modi) 9 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા ત્યારબાદ ત્યાંથી હેલીકોપ્ટર દ્વારા ચાંગોદર હેલીપેડ પહોંચ્યા ત્યાંથી ઝાયડસ કેડિલા કે જ્યાં પ્રોડક્શન થાય છે તે સ્થળે જઈ અને વેકસીન અંગે સમીક્ષા શરૂ કરી હતી.


જોકે, વડાપ્રધાન મોદીની આ મુલાકાતમાં વેક્સીનના સમાચારોની વચ્ચે આ બંને બાળકોએ ખૂબ આકર્ષણ જમાવ્યું હતું. પીએમ મોદીને કેડિલાના પ્લાન્ટના સ્વાગત સમારંભમાં આ બંને બાળકોએ નમસ્તે કહેતા વડાપ્રધાન મોદી તેમની સાથે ગમ્મત કરી હતી. જોકે, મળતી માહિતી મુજબ આ બાળકી અને બાળક કેડિલાના માલિક પંકજ પટેલના પૌત્ર અને પૌત્રી હોવાનું જાણવા મળ્યું છે. આમ વધુ એકવાર વડાપ્રધાન મોદીનો બાળકો પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો હતો.


ઝાયડસ કેડિલા કંપનીની વેકસિનની સમીક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા. અહીંયા તેમણે ઝાયડસ બાયોટેક પાર્કમાં પીપીઈ કીટ પહેરીને વેક્સીનનું નિરીક્ષણ કર્યુ હતું.


ઝાયડસ કેડિલાએ કોરોના વેક્સિન બનાવવા માટે નેશનલ બાયોફાર્મા મિશન, વિરાક અને ભારત સરકારનાં બાયોટેક્નોલોજી વિભાગની સાથે મળીને આની પર કામ કરી રહ્યાં છે. એક અનુમાન પ્રમાણે ઝાયડસ કેડિલાની આ વેક્સિન આવતા માર્ચ સુધીમા તૈયાર થઇ જશે. એક રિપોર્ટ પ્રમાણે, ઝાયડસ કેડિલા 17 કરોડ વેક્સીન બનાવવાની તૈયારી કરી રહ્યાં છે.


ટ્રાયલ્સ માટે કેડિલાની વેક્સિન ઝાયકોવિડ રસી બે તબક્કામાંથી પસાર થઇ ચુકી છે. આ બંને તબક્કામાં ઝાયકોવિડ પ્રાથમિક રીતે અસરકારક સાબિત થઇ રહી છે અને તેના સારા પરિણામ મળ્યા છે. ઝાયડસ કેડિલામાં હાલ ઝાયકોવિડનું ઉત્પાદન પણ ચાલુ છે. આ પ્લાન્ટની પીએમ મોદી મુલાકાત લેશે અને ત્યારબાદ વૈજ્ઞાનિકો સાથે પણ વાતચીત કરશે.


ઝાયડસ હાલ કોરોનાની રસી તૈયાર કરી રહ્યું છે. આ રસી ઝાયકોવિ-ડી (ZyCoV-D) તરીકે ઓળખાશે. ઝાયડસની આ રસી અન્ય રસી કરતાં અલગ છે. ઝાયકોવિ-ડી પ્લાસ્મીડ ડીએનએ આધારિત રસી છે. હાલ આ રસીનું બીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું હોવાની માહિતી મળી છે. પીએમ મોદીની પુના અને અમદાવાદની મુલાકાતને કોરોના રસીના ઇમરજન્સી ઉપયોગને છૂટ આપવા સાથે જોડીને જોવામાં આવી રહી છે. વિશ્વના અન્ય દેશોમાં કોરોના રસીના ઇમરજન્સી ઉપયોગની છૂટ આપવામાં આવી રહી છે ત્યારે ભારત પણ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.