

સંજય ટાંક, અમદાવાદ : રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી પેપર લીક મામલે વિવાદમાં સપડાઈ છે. Bcom સેમિસ્ટર 6નું પેપર લીક થયાનો આક્ષેપ NSUIએ કર્યો છે. આ ઘટનાને પગલે યુનિવર્સિટીમાં હડકંપ મચ્યો છે અને આ મામલે ફરિયાદ મળશે તો તપાસ કરવામાં આવશે તેવો જવાબ યુનિવર્સિટીના અધિકારીએ આપ્યો છે. પરંતુ જે વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે કરેલી મહેનતનું શું? તેઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે તેનો જવાબ યુનિવર્સિટીના સત્તાધીશો પાસે નથી. હજુ હાલમાં જ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં એક વિદ્યાર્થી મોબાઈલ સાથે ઝડપાયાના સીસીટીવી સામે આવ્યા હતા. આ ઘટના ગણતરીના દિવસોમાં જ પેપર પરીક્ષા પહેલા જ સોશિયલ મીડિયામાં ફરતું થયાની વિગતો સામે આવતા યુનિવર્સિટીના વ્યવસ્થા તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે.


યુનિવર્સિટીની આજની પરીક્ષાનું પેપર લીક થયાની ઘટના સામે આવી છે. બીકોમ સેમિસ્ટર 6નું ફંડામેન્ટલ ઓફ ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ પેપર લીક થયુ છે. પરીક્ષાના સમયના 10 મિનિટ પહેલા જ પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયાનો આક્ષેપ થયો છે. પેપર લીક થવાના મામલે NSUIના મહામંત્રી ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે પરીક્ષાનો સમય 10 વાગ્યાનો હતો અને પેપર તે પહેલાં જ વોટ્સએપ પર ફરતું થયું હતું. પેપર સોશિયલ મીડિયામાં 9.55 કે 9.56 મિનિટે ફરતું થયું હતું. આ મામલે જવાબદારીમાંથી છટકવાની જગ્યાએ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને રજિસ્ટ્રારએ જવાબદાર સામે પગલાં લેવા જોઈએ. આ મુદ્દે NSUI દ્વારા ફરિયાદ કરવામાં આવશે.


જોકે આ મામલે યુનિવર્સિટીનું તંત્ર બચાવની મુદ્રામાં જણાઈ રહ્યું છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલે જણાવ્યું હતું કે હાલ ગુજરાત યુનિવર્સિટીમાં અલગ અલગ ફેકલ્ટીની પરીક્ષા ચાલી રહી છે. શનિવારે 18 હજાર અલગ અલગ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જોકે હજુ સુધી આ મામલે કોઇ ફરિયાદ મળી નથી. ફરિયાદ મળશે એટલે કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડશે તો સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવશે.