હર્મેશ સુખડીયા, અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમદાવાદ પોલીસે ગુનેગારોને ડામવા નવો પ્રયોગ અપનાવ્યો છે. જે લોકો અસામાજિક તત્વો સામે ન બોલી શકે તે લોકો કેવી રીતે ફરિયાદ કરી શકે તે પ્લાનિંગ સાથે આ નવતર પ્રયોગ બાપુનગર પોલીસ દ્વારા હાથ ધરાયો છે. વિસ્તારમાં રહેતા લોકો કે જેઓ કોઈ પણ ગુનેગારો સામે અવાજ ઉઠાવે અને ફરિયાદ કરે તો તેઓને ગુનેગારો ધમકી આપતા કે માર મારતા હતા. આવા બનાવો ન બને અને લોકો ગુનેગારો સામે અવાજ ઉઠાવી શકે તે માટે બાપુનગર પોલીસે "ઓપરેશન પેટી" શરૂ કર્યું છે.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસ છે અને મોદી સરકાર અવાર નવાર કહે છે કે જનતાને કોઈ ગુંડા કે અન્ય અસામાજિક તત્વોથી ડર ન રહે અને કાયદા પર ભરોસો બેસે તે રીતે પોલીસે તેમની સેવા કરવી. સરકારની આ જ વાતનું પાલન કરવા બાપુનગર પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. બાપુનગર વિસ્તારમાં ભુતકાળમાં અનેક એવા બનાવો બન્યા જેમાં ફરિયાદ કરનાર કે બાતમી આપનાર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેથી લોકો અસામાજિક તત્વો સામે બોલતા બંધ થયા હતા. જોકે પોલીસના ધ્યાને આ વાત આવતા પોલીસે જનતા માટે નવી સુવિધા ઉભી કરી છે.
લોકો સીધી રીતે પોલીસને જાણ ન કરે અને ખાનગી રીતે ગુનેગારોની માહિતી કેવી રીતે આપી શકે તે બાબતે સ્થાનિક પોલીસ દ્વારા વિચાર કરવામાં આવ્યો હતો. પોલીસને "ઓપરેશન પેટી" નો વિચાર આવ્યો હતો. આ ઓપરેશનમાં પોલીસે વિસ્તારમાં રિસર્ચ કર્યું અને અમુક એવા પિક પોઇન્ટ શોધ્યા હતા. જ્યાં લોકોની અવાર જવર વધારે હોય અને ત્યાં ગુનેગારોનો પણ અડ્ડો હોય. અહીં ગુનેગારો છેડતી, ચોરી કે લોકો પાસે હપ્તાખોરી કરતા હોવાથી આ જગ્યા પરના લોકો ભયમાં રહેતા હતા અને પોલીસ ફરિયાદ કરતા ન હતા. જેથી પોલીસે ખાનગી જગ્યાઓ પર ફરિયાદ બોક્સ મુકવાનું પ્લાનિંગ કર્યું છે.
આ ફરિયાદ બોક્સમાં તમામ લોકો ગુપ્ત રીતે ફરિયાદ કરી શકશે. કાગળ પર કે પોસ્ટકાર્ડ પર વિગતો લખી આ પેટીમાં જનતા તેમની ફરિયાદ નાખી શકશે. તેમાં જે તે ફરિયાદી કે બાતમીદારોનું નામ પોલીસ ગુપ્ત રાખશે. જેથી કોઈને અસામાજિક તત્વો નો ડર ન રહે અને પોલીસ ગુનેગારો પર કાબુ મેળવી શકે. જેથી જનતા ડર વગર ભય વગર લોકોની ફરિયાદ કરી જીવી શકે. માત્ર એટલું જ નહીં પણ આ તમામ ફરિયાદ બોક્સની જવાબદારી પણ તમામ પોલીસકર્મીઓને સોપાઈ છે.
બાપુનગર પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ નીરવ વ્યાસે જણાવ્યું હતું કે જ્યારે જ્યારે મહારાષ્ટ્રમાં ગુજરાત પોલીસ તપાસ કરવા જાય ત્યારે એવું ધ્યાને આવ્યું હતું કે ત્યાં જે તે પોલીસકર્મીઓને અમુક અમુક નાના નાના વિસ્તારોની જવાબદારી સોંપવામાં આવી હોય છે. જેથી તે વિસ્તારમાં તે પોલીસકર્મીઓની ફાવટ અને ધાક હોય છે. જેથી ક્રાઇમ રેટ ઓછો જોવા મળે છે અને કોઈ પણ બનાવ બને કે કોઈ વ્યક્તિને કોઈ પરેશાની થાય તો તરત જ પોલીસ કાર્યવાહી કરી જે તે વ્યક્તિને કાયદાના પાઠ ભણાવતી હોય છે. મહારાષ્ટ્ર પોલીસનો આ પ્લાન અમદાવાદ પોલીસે અપનાવી લીધો છે.
બાપુનગર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં 97 જેટલી જગ્યા આઇડેન્ટિફાઈ કરી તેમાં 70 પોલીસકર્મીઓને તે વિસ્તારના 50થી 75 મીટરના વિસ્તારની જવાબદારી સોપવામાં આવી છે. અઠવાડિયામાં બે વાર ત્યાં પોલીસકર્મીએ રૂબરૂ જવાનું અને ચાર પાંચ કલાક ત્યાં ફરી લોકોને અને આગેવાનો ને મળી સમસ્યાઓ જાણવાની. સાથે જ અહીંના અસામાજિક તત્વોનો પણ ડેટા શોધી કાઢવાનો. આવા અસામાજિક તત્વોની હિસ્ટ્રી પણ શોધી પોલીસ સ્ટેશનમાં અધિકારીઓને જાણ કરવાની પણ સૂચના અપાઈ છે.
આ ઓપરેશન પેટીને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ બિરદાવ્યું છે. શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ આપી હતી. સેકટર 2 અધિક પોલીસ કમિશનર ગૌતમ પરમાર, ડીસીપી ઝોન 5 અચલ ત્યાગી અને એચ ડિવિઝન ઇન્ચાર્જ એસીપી એન.એલ.દેસાઈએ અમુક સલાહ સૂચનો આપી સ્કીમ તૈયાર કરાવવામાં બાપુનગર પોલીસને મદદ કરી છે. ત્યારે હવે બાપુનગર વિસ્તારમાં પોલીસનો આ પ્રોજેકટ સફળ થશે જ તેવું લોકો માની રહ્યા છે અને ગુનેગારોની દુનિયાનો વિનાશ થઈ જશે તેવું પોલીસ માની આ કામને આગળ વધારશે. જોકે શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં આ પ્રયોગ હાથ ધરવામાં આવે તો ઘણી સફળતા પોલીસને હાથ લાગી શકે અને લોકો ભયમુક્ત વાતાવરણમાં જીવી શકે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.