દીપિકા ખુમાણ, અમદાવાદ : સામાન્ય સંજોગોમાં પોળના ધાબાની ઈન્કવાયરી માટે 15 દિવસ પહેલાથી જ બુકિંગ શરુ થઈ જતું હોય છે પરંતુ આ વર્ષે ન તો બુકિંગ માટે કોઈ ઈન્કવાયરી છે ન તો ઉત્તરાયણ માટે જલસા દેખાઈ રહ્યા છે. ઢાળની પોળ, દેસાઈની પોળ, વાઘેશ્વરીની પોળ, કામેશ્વરની પોળ, સાંકડી શેરી, મકેરી વાડ, પખાલીની પોળ, જેઠાભાઈની પોળમાં સૌથી વધુ ધાબા ભાડે અપાતા હોય છે. પરંતુ આ વર્ષે અમદાવાદમાં પોળની ઉત્તરાયણ ફિક્કી છે. કારણ કે આ વર્ષે પોળની ઉત્તરાયણના બુકિંગ માટે એક પણ ઈન્કવાયરી આવી નથી.
અમદાવાદની પોળોની ઉત્તરાયણ દેશ વિદેશમાં પણ જાણીતી છે. ઉત્તરાયણ માણવા માટે લોકો આખે આખું ધાબું ભાડે રાખતાં હોય છે. ધાબાના ભાડા પણ વ્યક્તિ દિઠ 1 દિવસનાં 300 થી લઈને 1500 કરતાં વધુ હોય છે. જેમાં ગ્રૂપ માટે બુકિંગ પણ હોય છે. આ બુકિંગમાં નાસ્તો, બપોરનું ભોજન, પતંગ, ફિરકી, ચિક્કીનો સમાવેશ થાય છે. ઉત્તરાયણના દિવસે પોળમાં આવનાર વ્યક્તિને એલિસબ્રિજ પાસે ગાડી પાર્ક કરીને ચાલીને પોળ સુધી આવવું પડે છે.
આ અંગે જણાવતા પોળના કાર્યકર્તા રાકેશ ભાવસાર કહે છે કે પોળની ઉત્તરાયણમાં દર વર્ષે બુકિંગ થતું હોય છે પરંતુ આ વર્ષે કોરોના વાયરસને કારણે કોઈ બુકિંગ આવ્યું નથી. જેની પાછળનું કારણ પોળની ગીચ વસ્તી હોઈ શકે કારણ કે સૌથી વધુ ગીચ વસ્તીને કારણે કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા આ વિસ્તારમાં વધારે રહે છે. દર વર્ષે અમદાવાદની તમામ પોળમાં ધાબાનું બુકિંગ થઈ જતું હોય છે પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં એકપણ ધાબું ભાડે અપાયું નથી. ભાડે રાખવાની કોઈ ઈન્ક્વાયરી પણ આવી નથી. જેને કારણે પોળવાસીઓમાં નિરાશા જોવા મળી રહી છે.
દર વર્ષે વિદેશમાંથી પણ બુકિંગ મળે છે. આયોજક આશિષ મહેતાના જાણવ્યા પ્રમાણે કોરોનાના કારણે આ વર્ષે કોઈ આયોજન કરવામાં આવ્યું નથી. એટલું જ નહીં દર વર્ષે તો સામેથી જ ઈન્કવાયરી માટે કોલ્સ આવે છે. જેમાં સવારના નાસ્તાથી લઈને બપોરે જમવા સુધી તમામ વસ્તુઓનું મેનુ આપવામાં આવે છે. ઘણાં યુએસ, કેનેડા, દુબઈથી આવતાં વિદેશીઓ ખાસ પોળમાં ઉત્તરાયણ કરવા માટે આવતાં હોય છે.