

અમદાવાદ : એક તરફ રાજ્યમાં હોળીના તહેવારોના કારણે ઉલ્લાસનો વાતાવરણ છવાયેલું છે ત્યારે હવામાન વિભાગની એક આગાહીના કારણે ખેડૂતોનાં તહેવાર બગડે તેવી વકી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 10-11 માર્ચના રોજ આશરે 8 જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે.


રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાની આગાહીના પગલે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આ સાયક્લોનિક સર્કયુલેશનની અસરના કારણે રાજ્યના બનાસકાંઠા, કચ્છ, દ્રારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર જિલ્લામાં વરસાદ વરસી શકે છે.


હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ 10 માર્ચના રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવશે. 10મી માર્ચે રાજ્યના બનાસકાંઠા, કચ્છ, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથમાં કમોસમી વરસાદ વરસી શકે છે.


આગામી 11મી માર્ચે પણ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રહેશે અને તેના કારણે બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, દ્વારરકા અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.