

સંજય ટાંક, અમદાવાદ: અહીં કોરોનાનો ટેસ્ટ વિના મૂલ્યે કરાવો અને તુરંત જ રિપોર્ટ મેળવો... અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ લગાવાયેલા કોરોના રિપોર્ટ માટેના ટેન્ટ્સમાં આવા લખાણો લખેલા છે. કોરોના વાયરસનું સંક્રમણ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા મોટા ઉપાડે ઠેર ઠેર મંડપ નાખી દેવાયા છે. પરંતુ શહેરમાં ઘણા એવા વિસ્તાર છે જ્યાં ટેસ્ટ કરવા માટે તબીબો કે મેડિકલ સ્ટાફ (Medical Staff) હાજર હોતો નથી. ઓઢવ સોનીની ચાલ પાસે લગાવાયેલા તંબુમાં (Corona Rapid Test Centers) કોઈ જ સ્ટાફ હાજર નહીં હોવાથી બે વૃદ્ધ વ્યક્તિઓએ બે કલાક ટેન્ટમાં બેસી રાહ જોવી પડી હતી. જોકે, આ તકલીફ માત્ર ઓઢવની જ નહીં પરંતુ શહેરમાં ઘણી જગ્યાની છે. જ્યાં ટેન્ટમાં કોઈ સ્ટાફ હાજર નથી હોતો.


કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે લોકોને કોરોનાના લક્ષણો હોય તેઓ ઝડપથી ટેસ્ટ કરાવી શકે તેવી વ્યવસ્થા કરી છે. પરંતુ આ વ્યવસ્થા શોભના ગાંઠીયા સમાન બની હોય તેવું લાગી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં લગાવાયેલા ટેન્ટ પર રેપિડ ટેસ્ટ માટે મેડિકલ સ્ટાફે હાજર રહેવાનું હોય છે, પરંતુ તકલીફ એ વાતની છે કે ઘણા ટેન્ટમાં સ્ટાફ હાજર હોતો નથી. આવો કડવો અનુભવ મોટી ઉંમરની વ્યક્તિઓને થઈ રહ્યો છે.


ઓઢવના સત્યમનગર વિસ્તારમાં રહેતા હરિકિશનભાઈ અને અન્ય એક વૃદ્ધ મહિલા કોરોનાનો ટેસ્ટ કરાવવા સોનીની ચાલ પાસે મૂકવામાં આવેલા મંડપ પર પહોંચ્યા હતા. તેઓ પહોંચ્યા ત્યારે મંડપ પર કોઈ મેડિકલ સ્ટાફ હાજર ન હતો. જે બાદમાં ટેસ્ટ કરાવવા માટે આ સીનિયર સિટિઝનોએ બે કલાક રાહ જોવી પડી હતી. માત્ર સોનીની ચાલ વિસ્તાર નહીં, શહેરમાં ઘણી જગ્યાએ આવા ટેન્ટ પર સ્ટાફ હાજર નહીં હોવાના કારણે કોરોનાના લક્ષણો ધરાવતા લોકોએ ટેસ્ટ કરાવવા માટે ધક્કા ખાવા પડે છે. (ફાઇલ તસવીર)


શહેરમાં કેટલાક એવા વિસ્તાર છે જ્યાં તંત્રએ વિચાર્યા વગર ટેસ્ટિંગ માટેના મંડપ નાખી દીધા છે. જેમ કે અખબારનગર વિસ્તાર તેમજ કૃષ્ણનગર વિસ્તાર. અહીં કડિયા નાકુ ભરાય છે અને મોટી સંખ્યામાં મજૂરો એકઠા થાય છે. સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાતું નથી. એવી જગ્યાએ ટેસ્ટિંગ માટેના મંડપ મૂક્યાં છે. એવામાં પણ જ્યારે આવા મંડપમાં સ્ટાફ હાજર ન હોય અને કોરોનાના લક્ષણો ધરાવતા લોકો અહીં કલાકો સુધી ઊભા રહે તો અન્ય લોકોને ચેપ લાગવાની સંભાવના પણ વધી જાય છે. (ફાઇલ તસવીર)


મહત્ત્વનું છે કે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લક્ષણો ધરાવનાર લોકો ઝડપથી ટેસ્ટ કરાવી સારવાર કરાવી શકે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તાત્કાલિક રિપોર્ટ નીકળે તેવી વ્યવસ્થા કરી છે. આ ખરેખર સારી વાત છે પરંતુ મોટાભાગના સ્થળે પર સ્ટાફ હાજર રહેતો નથી ત્યારે ઝડપી ટેસ્ટિંગનો અર્થ સરતો નથી. લોકો માંગ કરી રહ્યા છે કે ફક્ત ટેન્ટ બાંધી દેવાથી કંઈ નહીં થાય. એ પણ જરૂરી છે કે આવા ટેન્ટમાં મેડિકલ સ્ટાફ પણ હાજર હોય. (ફાઇલ તસવીર)