દીપિકા ખુમાણ, અમદાવાદ : લગ્નસરાની સિઝન (Wedding season)ઝવેરીઓ માટે ખાસ હોય છે પરંતુ આ વર્ષે કોરાનાની ગાઈડલાઇનને (Coronavirus guidelines)કારણે ઝવેરીઓ પરેશાન છે. પરિવારોએ કરાવેલું દાગીનાનું બુકિંગ પણ પેન્ડિંગ રાખવામાં આવ્યું છે. અમદાવાદમાં સોનાની (gold)ખરીદીમાં મંદી આવી ગઈ છે. લગ્નસરાની સિઝનમાં બેન્ડ બાજા, મહેંદી ડેકોરેશન સહિત તમામ તૈયારીઓમાં મશગુલ છે પરંતુ જવેલર્સમાં ગ્રાહકોની પાંખી હાજરી દેખાઈ રહી છે. જેની પાછળનું કારણ કોરોનાની (Coronavirus)ગાઇડલાઇન છે.
કોરાનાની ગાઇડલાઈના કારણે ધામધુમથી લગ્ન કરવા માંગતા લોકોએ પોતાના બુકિંગ કેન્સલ કરાવી દીધા છે. તો કેટલાક લોકોએ જમણવાર પર ઓછા લોકોનું બુકિંગ શુરૂ કર્યું છે. આવામાં જ્વેલરી ખરીદનારા વર્ગમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે. આ અંગે મોહિની બહેનનું કહેવું છે કે મારા દીકરાના લગ્ન છે ત્રીજી લહેર ચાલી રહી છે એટલે હાથમાં રોકડ હોવી જરૂરી છે. સરકારે ભીડ એકત્ર ના થાય એ માટે 150 લોકોની મંજૂરી આપી છે. અડધી રાતે ઇમરજન્સી આવે તો પૈસા કામ લાગશે. સોનું જલ્દી ખર્ચ કરવાનું કોઈ વિચારતું નથી. સોનું એ રોકાણ છે મૂડી નહીં. જ્યારે અમિત ભાઇ વિપરીત વિચારે છે જેમના કહેવા પ્રમાણે હવે લોકોને જમાડવાનો ખર્ચ ઓછો થઈ ગયો એટલે દીકરીને અમે વધારે સોનું આપીશું અને એ અમારો હરખ છે.
અમદાવાદમાં સોનીની દુકાનમાં હાલ સોંપો પડી ગયો છે તેને લઈને સોની પણ પરેશાન છે. નવેમ્બર ડિસેમ્બરની સિઝનમાં એડવાન્સ બુકિંગ કરાવી લેવામાં આવ્યું હતું પરંતુ ફેબ્રુઆરી લગ્ન હોવાથી લોકોએ નક્કી કર્યું હતું કે કર્મૂરતા પછી સોનાની ખરીદી કરીશું. એવામાં સરકારની ગાઈડલાઇનને કારણે એડવાન્સ બુકિંગ ઓર્ડર પર અસર પડી છે.
આ અંગે આશિષ સોનીનું કહેવું છે કે એડવાન્સ બુકિંગ ફેબ્રુઆરી મહિનામાં ઘણા હતા પરંતુ ઘણા લોકોના રિસેપ્શન કેન્સલ થઈ ગયા છે. જ્યારે સોનાની વાત કરીએ તો લોકો જરૂર પૂરતું અને રીતિ રિવાજ હોય એટલું દીકરી અને દીકરાને આપી રહ્યા છે. જેના લગ્ન હોલ્ટ પર રહ્યા છે એના દાગીના પણ હમણાં ઘડાવીને પેમેન્ટ હોલ્ટ પર રાખ્યું છે. ઘણા લોકોએ એડવાન્સ બુકિંગ કેન્સલ કરી લીધું છે. સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરનાર વર્ગ પણ અમદાવાદમાં છે જ્યારે હાથ પર રોકડ રહેવી જોઈએ એવું વિચારનાર વર્ગ પણ અમદાવાદમાં છે. આવામાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે લગ્નની ખરીદીમાં જ્વેલર્સને કરોડોનું નુકસાન હોવાનું સામે આવ્યું છે.