

પ્રણવ પટેલ, અમદાવાદ : ગુજરાતમા એક લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેર અને ટાઉનશિપમાં દિનદયાળ ક્લિનિક શરૂ કરાશે. નાયબ મુખ્ય મંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ આ જાહેરાત કરી છે. મોટા મહાનગરોમાં જ્યા ગીચ વિસ્તાર અને ચાલી વિસ્તાર હશે ત્યા લોકોના આરોગ્યની યોગ્ય સારવાર મળી રહે તે ઉદેશ્યથી ક્લિનિક સેવા શરૂ કરાશે. જે અંતર્ગત આજે નીતિન પટેલ દ્વારા વાડજ વિસ્તારના રામદેવનગર વિસ્તારની મુલાકાત લઇ ક્લિનિક માટે સ્થળ તપાસ કરી હતી.


નીતિન પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકારના બજેટમાં આ અંગે જોગવાઇ કરવામાં આવી હતી. સરકાર દ્વારા બજેટ બનાવતી વખતે સિનીયર મંત્રીઓ અને અધિકારીઓ સાથે આરોગ્ય વિભાગની સુવિધાઓ પ્રત્યેક વસ્તી સુધી પહોંચે એ માટે ચર્ચા થઈ હતી. એક લાખથી વધુ વસ્તી ધરાવતા વિસ્તારમાં મુખ્યમંત્રીની પણ લાગણી હતી કે લોકોને સુવિધાઓ મળે રહે. ભૂતકાળમાં ઝુંપડપટ્ટી તરીકે ઓળખવામાં આવતા આ વિસ્તારના લોકોને આરોગ્ય સુવિધાઓ સારામાં સારી મળે એ માટેનો આ પ્રયાસ ભાજપ સરકારનો છે. કોરોના સમયે લોકોએ સારવાર ન લીધી અને લોકોને ગંભીર અવસ્થામાં હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. આવા લોકો જે બેદરકારી દાખવે છે એમને સમયસર સારવાર મળે એ જરૂરી છે. કોરોનામાં એ સુખદ અનુભવ થયો અને ધન્વંતરી રથનું આયોજન કર્યું. જેના કારણે હજારોની સંખ્યામાં કોર્પોરેશન વિસ્તારમાં રહેતા લોકોને સારવાર મળી શકી હતી.


નીતિન પટેલ વધુમાં જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગના બજેટમાં પ્રત્યેક શહેરના ગીચ વિસ્તારો છે ત્યાં આરોગ્યની સારી સુવિધા પૂરી પાડવા માટે સરકાર ખર્ચ ભોગવશે. તેમજ એ માટે ઇમારત બનાવવામાં આવશે અને ખર્ચ સરકાર ભોગવશે. કોરોનાને કારણે અમે આ યોજનાને અમલમાં નહોતા મુકી શક્યા. અહીંયા રહેતા પરિવાર સાથે મેં વાત કરી છે, ચર્ચા કરી છે. એમ્બ્યુલન્સ આવી શકે એવા રસ્તા પણ નથી અને અન્ય સુવિધાઓ પણ અહીંયા નથી. આવા વિસ્તારોમાં દિનદયાળ ઉપાધ્યાયના નામે ક્લિનિક શરૂ કરવામાં આવશે. જે સાંજે 4 વાગ્યાથી 9 વાગ્યા સુધી કોઈ પણ નાગરીકનું સ્વાસ્થ્ય ચકાસશે. શહેરી અને આરોગ્ય વિભાગ દ્વારા અર્બન હેલ્થ સેન્ટરો પણ છે. અમદાવાદમાં 74 અર્બન હેલ્થ સેન્ટરો છે. આજની મારી આ મુલાકાત અહીંયા આ મુદ્દાને લઈને જ છે. 30000 હજારની વસ્તી છે અહીંયા જ્યાં મેં આજે મુલાકાત લીધી છે. આંગણવાડી કે પ્રાથમિક શાળાઓમાં પણ આ કેન્દ્રો શરૂ કરી શકાશે. એમ.બી.બી.એસ. કે આયુષ ડોક્ટરો ક્લિનિકમાં સેવા આપશે. પ્રત્યેક શહેરના મ્યુનિસિપલ કમિશ્નરને જગ્યાઓ શોધવા માટે પણ આદેશ કરાયા છે.