

અમદાવાદ: શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં સવારે 11:30 વાગ્યે બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેની આસપાસની ફેક્ટરીઓની છત તૂટી પડી હતી. જેમાં એક કાપડના ગોડાઉનનો પણ સમાવેશ થાય છે. આ બ્લાસ્ટને કારણે કાપડની ફેક્ટરી દબાયેલા 12 લોકોનાં મોત થઈ ગયા છે. જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ બાદ આગની ઘટના પણ બની હતી. આ દુર્ઘટનાની નોંધ પીએમ મોદીએ પણ લીધી છે. પીએમ મોદીએ આ મામલે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. આ મામલે સીએમ વિજય રૂપાણીએ મૃતકોના પરિવારને ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.


પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું છે કે, "અમદાવાદ ખાતે ગોડાઉનમાં થયેલ આગની ઘટનાથી જાનહાનીના સમાચારથી વ્યથિત છું. મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ તથા ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના. સરકારીતંત્ર તથા અધિકારીઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે."


આગની ઘટના બાદ ફાયર બ્રિગેડની 24 ગાડી અને ફાયરના 60 કર્મીને ઘટનાસ્થળે દોડી ગયા હતા. આગ પર બહુ ઝડપથી કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો પરંતુ કાટમાળ ખસેડવાની કામગીરી ખૂબ લાંબા સમય સુધી ચાલી હતી. તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે એલ.જી.હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


કેમિકલ ગોડાઉનમાં બ્લાસ્ટ: મળતી માહિતી પ્રમાણે નાનુભાઈ એસ્ટેટની કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે ગોડાઉન પાસે ફાયર એનઓસી નથી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે કાટમાળી દૂર દૂર સુધી ફેંકાયો હતો. એટલું જ નહીં દૂર દૂર સુધી લોકોએ બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો હતો. બ્લાસ્ટ થવાને કારણે આસપાસમાં આવેલા ત્રણથી ચાર ગોડાઉનની છત નીચે પડી ગઈ હતી. જેમાં એક કાપના ગોડાઉમાં કામ કરતા 25થી 30 જેટલા લોકો દબાયા હતા. જેમાંથી નવ લોકોનાં મોત થયા છે. નવ લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ગોડાઉન બટાભાઈ ભરવાને ભાડે આપ્યું હોવાનું સામે આવ્યું છે.


'અમને મોટા ધડાકાનો અવાજ સંભળાયો હતો' : મળતી માહિતી પ્રમાણે, નજમુનિશા શેખ, જેકવિલિન ક્રિશ્ચયન, રાગીણી ક્રિશ્ચયનનાં મોત નીપજ્યા છે. અન્ય લોકોની પણ ઓળખ કરવામાં આવી રહી છે.


એલ.જી. હૉસ્પિટલમાં બેઠેલા એક પરિવારજને જણાવ્યું કે, 'અમને મોટા ધડાકાનો અવાજ આવ્યો એટલે અમે ઘરેથી દોડીને ગોડાઉન બાજુ ગયા હતા. અમે જોયું તો આખી બિલ્ડિંગ પડી ગઇ હતી, મારા માસી તેમા દબાઇ ગયા હતા.'


મૃતકોના પરિવારને ચાર લાખની સહાયની જાહેરાત: અમદાવાદમાં થયેલી આગ દુર્ઘટનામાં જાન ગુમાવનારા કમનસીબ વ્યક્તિઓ પ્રત્યે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સંવેદના વ્યક્ત કરી.


સાથે દુર્ઘટનાની તપાસ માટે તાત્કાલિક બે ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે. શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને જી.પી.સી.બી.ના ચેરમેન સંજીવકુમાર આગ દુર્ઘટનાની તપાસ કરશે. દુર્ઘટનામાં જાન ગુમાવનારા પ્રત્યેક મૃતકના વારસદારને રૂપિયા ચાર લાખની સહાય આપવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે.