

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે લગ્નસમારંભની સંખ્યા પર સરકારે કાતર ફેરવી છે. સરકારે ગાંધીનગરથી એક મોટો નિર્ણય જાહેર કર્યો છે કે હવે પછી રાજ્યમાં જે લગ્ન સમારંભ યોજાશે તેમાં આયોજન સ્થળની કુલ ક્ષમતાના 50 ટકાથી ઓછા લોકોને જ બોલાવી શકાશે જ્યારે વધુમાં વધુ 100 વ્યક્તિ જ લગ્નમાં જોડાઈ શકશે. સરકારની નવી ગાઇડલાઇન મંગળવાર મધ્યરાત્રિથી લાગુ પડશે. પ્રતિકાત્મક તસવીર


આ સાથે જ મૃત્યુ અને અંતિમ સંસ્કારની વિધિમાં પણ સરકારે સંખ્યામાં કાપ મૂકવાનો નિર્ણય ક્યો છે. સરકારના નિર્ણય મુજબ અંતિમ વિધિમાં વધુમાં વધુ 50 વ્યક્તિ ભાગ લઈ શકશે. અગાઉ આ સંખ્યા 200 સુધીની છૂટ આપવામાં આવી હતી. રાજ્યમાં કોરોનાના સતત કેસ વધી રહ્યા છે જેને જોતા સરકારે આકરો નિર્ણય લીધો છે. અગાઉથી અમદાવાદ, વડોદરા અને સુરત-રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે.


સરકારે અન્ય નિર્ણયમાં એવું પણ નક્કી કર્યુ છે કે જે શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ છે ત્યા રાત્રિ દરમિયાન કોઈ પણ પ્રકારના લગ્ન સમારંભ કે સત્કાકર સમારંભની છૂટ આપવામાં નહીં આવે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે અમદાવાદમાં આ કર્ફ્યૂ 7મી ડિસેમ્બર સુધી યથાવત્ત રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.


કોરોનાનું સંક્રમણ અમદાવાદ શહેરમાં વધતા બે દિવસ માટે સંપૂર્ણપણે કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો. શહેરના પોલીસ કમિશનરે જાહેરનામું બાહર પાડીને જણાવ્યું છેકે, અમદાવાદમાં 7 ડિસેમ્બર સુધી રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનું રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે. સોમવારે સવારે 6 વાગ્યાથી કર્ફ્યૂ હટાવી દેવામાં આવ્યો છે.


રાજ્યમાં કોરોના વાયરસના (gujarat corona cases on 23-11-2020) કેસ બેકાબૂ બની રહ્યા છે તેવામાં આજે 23મી નવેમ્બરે સોમવારે સાંજે 1487 નવા કેસ નોંધાયા છે જ્યારે 17 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદમાં 319 નવા કેસ નોંધાયા છે જ્યારે સુરત શહેરમાં 217 કેસ નોંધાયા છે. 24 કલાકમાં રાજ્યમાં 17 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 1,98899 પર પહોંચી ગયો છે