નમસ્તે ટ્રમ્પ : 'પીએમ મોદી ખૂબ આકરા છે,' મોટેરા ખાતે ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણની મુખ્ય વાતો
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે કહ્યુ કે અમેરિકામાં રહેતા અનેક બિઝનેસમેનો ગુજરાતથી આવે છે. આ પ્રસંગે તેમણે અમેરિકાના વિકાસમાં યોગદાન આપવા માટે તમામ લોકોનો આભાર માન્યો હતો.


અમદાવાદ : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસે આવી પહોંચ્યા છે. મોટેરા ખાતે તેમણે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનો સંબોધન કર્યું હતું. આ પ્રસંગે યુએસ પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકા ભારતને પ્રેમ અને આદર કરે છે અને ભવિષ્યમાં પણ ભારતના લોકોનો આદર કરતું રહેશે. મોટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેતા પહેલા તેમણે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે ભારત અને પીએમ મોદીની પ્રશંસા કરી હતી. સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે પીએમ મોદી ખૂબ આકરા (ટફ) પણ છે. સાથે જ તેમણે મોદી પિતાની ચાની કેબિન પર રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા તે વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.


ટ્રમ્પના ભાષણની મુખ્ય વાતો : >> અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ભાષણ દરમિયાન પોતાની સરકારની ઉપલબ્ધી ગણાવી હતી. ટ્રમ્પ બોલ્યા કે, ભારત-અમેરિકા આજે દોસ્તી સાથે સાથે બિઝનેસ ક્ષેત્રમાં પણ આગળ રહ્યા છે. મેં અને મેલાનિયાએ આજે મહાત્મા ગાંધી આશ્રામની મુલાકાત કરી હતી. જ્યાં ગાંધીજીએ મીઠાનું આંદોલન શરૂ કર્યું હતું. આજે અમે તાજમહેલ જઈશું.


>> ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, કાલે હું પીએમ મોદી સાથે દ્વીપક્ષીય વાતચીત કરીશ. જેમાં અનેક ડીલ્સ પર વાતચીત થશે. ભારત અને અમેરિકા ડિફેન્સ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે. ભારતને બહુ ઝડપથી હથિયાર અને મિસાઇલ આપીશું. ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા કે અમેરિકા અને ભારત સાથે મળીને આતંકવાદ સામે લડશે. ઇસ્લામિક આતંકવાદ સામે અમેરિક લડત લડી રહ્યું છે.


>> અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બોલ્યા કે આપણા દેશો ઇસ્લામિક આતંકવાદનો શિકાર બની રહ્યા છે. અમેરિકાએ કામ કરતા ISISનો ખાત્મ બોલાવ્યો છે અને અલ બગદાદીને ઠાર કર્યો છે. અમે આતંકવાદ સામે કડક પગલાં લઈ રહ્યા છીએ.


>> ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના હોળી, દિવાળી જેવા તહેવારોનો ઉલ્લેખ કર્યો. સાથે જણાવ્યું કે, ભારતમાં આજે હિન્દુ, જૈન, મુસ્લિમ, શિખ, સહિત તમામ ધર્મના લોકો રહે છે. અહીં ડઝનો ભાષા બોલાય છે છતાં અહીંના લોકો એક શક્તિની જેમ રહે છે. અમેરિકાના વિકાસમાં ભારતીય મૂળના લોકોનો મહત્વનો ફાળો રહ્યો છે.


>> અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે કહ્યુ કે અમેરિકામાં રહેતા અનેક બિઝનેસમેનો ગુજરાતથી આવે છે. આ પ્રસંગે તેમણે અમેરિકાના વિકાસમાં યોગદાન આપવા માટે તમામ લોકોનો આભાર માન્યો હતો.


>> અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણમાં વિવેકાનંદ અને મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કર્યો હતો. અમેરિકા અને ભારતમાં ઘણા સમાનતા છે, જેમાં દરેક વ્યક્તિને એક સમાન માનવામાં આવે છે.


>> અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે કહ્યુ કે, ભારતમાં દર વર્ષે 2000થી વધારે ફિલ્મો બને છે, જે બોલિવૂડ છે. આખા દુનિયામાં તેમનું સ્વાગત કરવામાં આવે છે. સાથે જ પ્રમુખ ટ્રમ્પે ડીડીએલજે ફિલ્મનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેમણે કહ્યુ કે, ભારતે દુનિયાને સચિન અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ આપ્યા છે.


>> અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે કહ્યુ કે, પીએમ મોદી ફક્ત ગુજરાત માટે નહીં પરંતુ દેશનું ગૌરવ છે. જેઓ અસંભવને સંભવ બનાવે છે. આ દરમિયાન ટ્રમ્પે ભારત સરકારની ઉજ્જવલા યોજના, ઇન્ટરનેટ સુવિધા, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઘર ઘર વીજળી જેવી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો.


>> અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનની શરૂઆત "નમસ્તે" કહીને કરી હતી. ટ્રમ્પે કહ્યુ કે ભારત આવવું અમારા માટે ગર્વની વાત છે. હું અને ફર્સ્ટ લેડી 8000 માઇલની સફર ખેડીને અહીં પહોંચ્યા છીએ. અમેરિકા હિન્દુસ્તાનનું મિત્ર છે અને તેનું સન્માન કરે છે.


>> ટ્રમ્પે કહ્યું કે, પાંચ મહિના પહેલા અમેરિકાએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું, આજે હિન્દુસ્તાન અમારું સ્વાગત કરી રહ્યું છે, જે અમારા માટે ખુશીની વાત છે. આજે અમે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં છીએ. આજથી અમારા માટે ભારત મહત્વનું મિત્ર હશે.


>> ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી વિશે કહ્યુ કે, તેમણે ખૂબ મહેનત કરી છે. તેમણે પિતાના ચાની દુકાન પર કામ કર્યું છે. પીએમ મોદીને આજે દરેક વ્યક્તિ પ્રેમ કરે છે, પરંતુ તેઓ ખૂબ આકરા (ટફ) છે. આજે પીએમ મોદી હિન્દુસ્તાનના સૌથી પ્રમુખ નેતા છે. ગત ચૂટંણીમાં 60 કરોડથી વધારે લોકોએ પીએમ મોદીને વોટ આપ્યો હતો અને સૌથી મોટી ચૂંટણી જીત મેળવી હતી.