

અમદાવાદ : રાજ્યભરમાં બે દિવસથી સૂસવાટાભેર પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. નિસર્ગ વાવાઝોડાની અસરને કારણે આ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે 21મી જૂનની આસપાસથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ જશે. આ સાથે આગાહી કરવામાં આવી છે કે, નૈઋત્યનાં ચોમાસાનો દક્ષિણ ગુજરાતથી પ્રારંભ થશે.


ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ હવે ચોમાસાનો ક્યારે પ્રારંભ થશે તેની ચાતક નજરે રાહ જોવાઇ રહી છે. હવે વધુ લાંબો સમય ચોમાસાની રાહ જોવી પડે તેની સંભાવના નહિવત્ છે.ગુજરાતમાં 21 જૂનની આસપાસથી ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થઇ જવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. નૈઋત્યના ચોમાસાનો દક્ષિણ ગુજરાતથી પ્રારંભ થશે. નોંધનીય છે કે, કેરળમાં 1 જૂનથી નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે, 'મધ્ય અરેબિયન સમુદ્રમાં કર્ણાટક, તામિલનાડુ, પુડુચેરી, કેરિકલ તરફ નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું છે. તે હવે આગામી દિવસમાં પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચી શકે છે.


ગુજરાતમાં આ વખતે ચોમાસું સાનુકૂળ રહે તેવી પણ હવામાન વિભાગની આગાહી છે. હાલમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ગુજરાતમાં પ્રારંભ પણ થઇ ગયો છે. જેના કારણે શુક્રવારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પણ પડયો હતો.


શુક્રવારે મોડી સાંજે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો થયો હતો. વાતાવરણમાં આવેલા અચાનક પલટાના પગલે વાવાતરણમાં ઠંડક પ્રસરી હતી. અને મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા ભડાકા થતાં ઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આ સાથે અમદાવાદ શહેરમાં સરેરાશ અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે સરખેજમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો.