

નવીન ઝા, અમદાવાદ: શહેરના આનંદનગર વિસ્તારમાં દારૂની મહેફિલ કરતા 3 લોકોની ધરપકડ કરવામાં આવી. નોંધનીય છે કે, દારૂની મહેફિલ તો ઠીક પરંતુ પોલીસ જયારે તપાસ કરી તો અનેક ચોંકાવનારી માહિતી સામે આવી અને જેમાં એક સમયના કોલ સેન્ટરનો માસ્ટર માઈન્ડ નીરવ રાયચુરા પણ પકડાઈ ગયો છે. શહેરના પોશ વિસ્તારમાં આવેલ ઓફીસમાં દારૂની મહેફિલની માહિતી મળતા ખુદ ઝોન-7ના dcp આવી ગયા હતા.


પેહલા તો આ ઓફિસમાં જવા માટે પોલીસે મેહનત કરવી પડી કારણ કે ફિંગર પ્રિન્ટથી ઓફિસનો દરવાજો ખૂલતો હતો. ઓફીસમાં જઈ તપાસ કરી તો નીરવ રાયચુરા, સંતોષ ભરવાડ અને ઓફીસમાં કામ કરતો રાહુલ નામનો યુવક પકડાઈ ગયો. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી તો મોબાઈલથી ક્રિકેટ સટ્ટા ચાલતું હોવાનું પણ મળી આવ્યું અને તેનો પણ કેસ કરવામાં આવ્યો છે. આમ કુલ 3 ફરિયાદ કરવામાં આવી છે.


મહત્વ ની વાત તો એ છે કે, ઓફીસની તપાસ બાદ આરોપી નીરવના ઘરે પોલીસ ગઈ તો વધુ ચોંકી ગઈ કારણ કે ઘરમાં આલીશાન દારૂ બાર મળી આવ્યો અને એક હથિયાર સાથે કુલ 34 હજારનો દારૂ મુદ્દમાલ કબ્જે કરવામાં આવ્યો છે, અને જે મામલે ચંગોદર પોલીસ સ્ટેશનમાં પણ એક ફરિયાદ કરવામાં આવી છે.


આરોપી નીરવ એક સમય સાયકલ લઈને ચાલતો પણ આજે હજારો કરોડોનો આસામી છે અને જેની પાછળ તેના કોલ સેન્ટરની કમાઈ છે તેવું કહેવાય છે. આ કેસમાં પોલીસને તપાસમાં કેટલીક ડાયરી અને મોબાઈલ મળી આવેલ છે અને જેમાં આઈ પી એડ્રેસ મળી આવ્યા છે. જેની તપાસ માટે સાયબર સેલને કામ સોંપવામાં આવ્યું છે. જોકે આરોપીના મોબાઈલથી ક્રિપટો કરન્સી પણ મળી આવી છે અને તેના માટે fslની મદદ લેવામાં આવી રહી છે. જોકે ત્યાર બાદ અન્ય ગુનાઓ પણ દાખલ કરવામાં આવશે.