

પ્રણવ પટેલ, અમદાવાદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પગલે કોંગ્રેસ પક્ષે તૈયારીઓ શરૂ કરી છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠકનો ધમધમાટ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં જિલ્લા સ્તરના નેતાઓ સાથે બેઠકો ચાલે છે. કોંગ્રેસ પક્ષ સ્થાનિક કક્ષાએ મુદ્દો લઇ ચૂંટણી ઢંઢેરો નક્કી કરશે. તેના માટે શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારમાં અલગ અલગ ચૂંટણી ઢંઢેરો તૈયાર કરશે.


કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાનગરપાલિકાની બેઠક બાદ ચૂંટણી ઢંઢેરા મુદ્દે કોંગ્રેસ સીનિયર નેતાઓ વચ્ચે વર્ચ્યુયલ બેઠક યોજાઇ હતી. ચૂંટણી ઢંઢેરા કમિટીના ચેરમેન સભ્યો સાથે પ્રભારી અને પ્રમુખ આ બેઠકમાં જોડાયા હતા. કોંગ્રેસ અર્બન અને રૂરલ બંને ક્ષેત્રના ચૂંટણી ઢંઢેરા અલગ-અલગ તૈયાર કરશે. જિલ્લા અને શહેરમાં જઈને ચૂંટણી ઢંઢેરા સમિતિ મેનિફેસ્ટો તૈયાર કરશે.


પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે 3 જિલ્લાના આગેવાનોની બેઠક મળી હતી. અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસના આગેવાનો સાથે પ્રદેશ પ્રભારી, પ્રમુખ અને કાર્યકારી પ્રમુખની બેઠક મળી હતી. વર્ષ 2015ની ચૂંટણીના પરિણામનું વિશ્લેષણ કરાયું હતું. આગામી ચૂંટણી અંગેની રણનીતિ અને ઉમેદવારો અંગે બેઠકમાં ચર્ચા કરી હતી.


જાણકાર સૂત્રોએ માહિતી આપતા કહ્યું હતુ કે પાર્ટી નેતાઓએ એક થઇ ચૂંટણી લડવી જોઇએ. તો સાથે જૂની વાતો ભૂલી જવી જોઇએ. નેતાઓએ ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે છતા તેવા કાર્યકર્તા અને નેતા સામે કાર્યવાહી કરવાના બદલે પાર્ટી તેઓને પદ આપી રહી છે. જેના પગલે કામ કરતા કાર્યકર્તાઓએ પ્રભારી પાસે નારાજગી બતાવી છે.