

સંજય ટાંક, અમદાવાદ : શહેરમાં સરકારી શાળાઓને જર્જરિત બતાવી તેને રિપેરીંગના કારણોસર બંધ કરી દેવામાં આવી રહી હોવાનો આક્ષેપ ખુદ સ્કૂલ બોર્ડના સભ્ય લગાવતા ખળભળાટ મચ્યો છે. અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત 8 જેટલી શાળાઓ વિવિધ કારણોસર બંધ કરાયાનો આરોપ લગાવી સ્કૂલ બોર્ડના સભ્ય ઈલિયાસ કુરેશીએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે. એટલું જ નહીં જે શાળાને રિપેરીંગની જરૂર નથી તેવી શાળાઓને જર્જરિત બતાવી રિકન્સ્ટ્રક્શનના નામે કોન્ટ્રાક્ટર સાથે મિલીભગતથી કૌભાંડ ચાલતું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.


અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત સ્કૂલ બોર્ડમાં સ્કૂલોના બાંધકામને લઈ કંઈક ખોટું થઈ રહ્યાની ગંધ આવતા સ્કૂલ બોર્ડના સભ્ય ઈલિયાસ કુરેશી સ્કૂલબોર્ડ સત્તાધીશો સામે મેદાને પડ્યા છે. ઈલિયાસ કુરેશીએ સ્કૂલ બોર્ડમાં જર્જરિત સ્કૂલોના નામે ચાલતી ગેરરીતિ ઉજાગર કરવા મ્યુનિસિપલ કમિશ્નર મુકેશકુમારને પત્ર લખી આ મામલે ખુલાસો કરવા જણાવ્યું છે.


બંધ કરાયેલી કેટલીક શાળાઓ 2016થી રિપેરીંગના નામે બંધ કરાયાનો આક્ષેપ પણ તેમણે લગાવ્યો છે. ઈલિયાસ કુરેશીના મતે બંધ કરાયેલી શાળાઓમાં જમાલપુર શાળા નંબર 6, ગોમતીપુર શાળા નંબર 3 અને 4, રાજપુરની મ્યુનિસિપલ શાળાને ભયજનક બતાવાઈ છે. તેમજ રખિયાલ ઉર્દુ સ્કૂલ ભયજનક બતાવી બંધ કરાઈ પણ ગ્રાઉન્ડ ફ્લોર પર 28 દુકાનો ચાલુ છે જેને ભયજનકની નોટિસ પણ અપાઈ નથી. જ્યારે દાણીલીમડા સ્કૂલનું 5 વર્ષથી બાંધકામ અંડર કન્સ્ટ્રકશન છે. આ શાળામાં એવું તો કેવું કામ ચાલી રહ્યું છે કે 5 વર્ષથી સ્કૂલ બની નથી.


ઈલિયાસ કુરેશીનું કહેવું છે કે શાળાઓ જર્જરિત નહીં હોવા છતાં તેને જર્જરિત બતાવવામાં આવી રહી છે અને તે શાળા બંધ કરી બાળકોને નજીકની કોઈ શાળામાં પ્રવેશ અપાય છે પણ એ બાળક શાળાએ જતું નથી. જેને લઈ 30થી 40 ટકા ડ્રોપ આઉટ રેશિયો વધ્યો હોવાનું કુરેશીએ જણાવ્યું હતું. એટલું જ નહીં કેટલીક જગ્યાએ ભાડાના મકાનમાં ચાલતી સ્કૂલ બંધ કરી જો તેને રિપેરીંગ કરવી હોય તો જે તે માલિકની મંજૂરી લેવી પડે. 30 થી40 જૂની બિલ્ડિંગના મકાનમાં રિપેરીંગની મંજૂરી નહીં મળતા સ્કૂલના અધિકારીઓ અને કોર્પોરેશનના ઈજનેર વિભાગના મિલીભગતથી સ્કૂલ કન્સ્ટ્રકશનનો ટેન્ડર આપાતું હોવાનો આક્ષેપ પણ તેમને કર્યો છે.


જ્યારે આ મામલે સ્કૂલ બોર્ડના ચેરમેન ધીરેનસિંગ તોમરે આ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે. સ્કૂલનો કોઈપણ ભાગ જર્જરિત હોય તો તે રિપેરીંગ કરવો જરૂરી છે. જો તે રીપેર ના કરે અને કોઈ ઘટના બને તો ઉલ્ટાનો અમારા પર આરોપ લાગે કે ભાગ તૂટેલો હતો તો તેને રિપેરીંગ કેમ કરવામાં ન આવ્યો. જે જગ્યાએ તોડીને સ્કૂલ બનાવાઈ રહી છે ત્યાં કોરોનાના કારણે કામ બંધ હતું.