

દીપિકા ખુમાણ, અમદાવાદઃ 18 હજાર ફુટની ઉંચાઈએ જ્યાં શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થાય. હાડ ગાળી નાખે તેવી કાતિલ ઠંડીનો અનુભવ થાય.એ જ જગ્યા પર આપણાં દેશનાં જવાનો દેશની આન બાન અને શાનને જાળવીને દુશ્મનોના દાંત ખાટા કરી નાંખ્યા. વર્ષ 1999 તારીખ 26 જુલાઈ જ્યારે કારગિલ (Kargil war) પર પાકિસ્તાન સામે ભારતે વિજય (Vijay Diwas) મેળવ્યો પરંતુ અફસોસ આ વિજય દિન પર કેટલાંક પરિવાર એવાં છે જેમણે પોતાના ઘરના ચિરાગને ગુમાવ્યો હતો.


દેશ માટે શહીદી વ્હોરનાર આવો જ એક શહીદ ( Martyr) જવાન એટલે અમદાવાદના મુકેશ રાઠોડ. મુકેશ રાઠોડની શહાદતને આજે 20 વર્ષ વીતી ચૂક્યા પણ આજેય પણ નથી સુકાયા તેમની પત્નીની આંખના આંસુ.દિલના ખુણામાં આજેય તેમની પત્નીને વાતનો વસવસો છે કે હું પતિનો અવાજ સાંભળી ના શકી. હું કહી ના શકી કે હું તમારા બાળકને જન્મ આપવાની છું.


હદય હચમચાવી દે તેવી આ કહાની છે વીર શહીદ મુકેશ રાઠોડના પરિવારની. સારા નરસા સુખ દુખ તમામમાં પતિ સાથે વીતેવેલાં દોઢ વર્ષના લગ્નજીવનને આજેય શહીદ મુકેશ રાઠોડનાં પત્ની રાજશ્રીબેન નથી ભૂલ્યા.રાજશ્રીબહેનના કહેવા પ્રમાણે જ્યારે તેમનાં મુકેશ રાઠોડ રજા લઈને ઘરે આવતાં ત્યારે તેઓ ખૂબ હસાવતાં. તેમનાં ઘણાં સપના હતા.તેમને પરિવાર માટે ઘણું બધું પ્લાનિંગ કર્યુ હતું.


તેમનાં દિલમાં દેશ પ્રત્યેની ભાવના હંમેશાં ધબકતી હતી.20 વર્ષ જયારે ન્યૂઝ18 ગુજરાતીએ 1999માં થયેલા કારગિલ વિજયને યાદ કરવાની કોશિશ કરી ત્યારે શહીદ જવાન મુકેશ રાઠોડની પત્નીએ ખોલ્યા ઈતિહાસના એ પાના,જે વખતોવખત પતિનું સંભારણું છે.


શહીદ મુકેશ રાઠોડ કેવી રીતે આર્મીમાં જોઈન્ટ થયા: અમદાવાદના હાલ વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતો આ પરિવાર વર્ષ 1999માં મેઘાણીનગરમાં રહેતો હતો..મુળ જૂનાગઢ જિલ્લા વતની મુકેશ રાઠોડને જવાનીમાં જ આર્મીમાં જોડાવાનો ઝનુન જાગ્યું હતુ. જે બાદ સખત ટ્રેનિંગ સાથે તેમની આર્મીમાં ભરતી થઈને પોસ્ટીંગ મધ્યપ્રદેશ મળ્યું. મધ્યપ્રદેશ બાદ પંજાબ, કાશ્મીર અને ત્યારબાદ કારગીલના યુધ્ધમાં લડાઈ લડી હતી.


વર્ષ 1999માં મેથી જુલાઈ સુધી ચાલેલાં કારગિલ યુધ્ધમાં વીર યોધ્ધા મુકેશ રાઠોડે સામી છાતીએ દુશ્મનોનો સામનો કર્યો હતો. કાળી ડીબાંગ રાતના અંધારામાં કારગીલના એ ભયાવહ પર્વત પર ચઢાઈ કરતાં અને દુશ્મનના જીવલેણ ગોળીબારનો સામનો કરતાં, ગોળીઓ વડે વીંધાઈને મુકેશ ખાઈમાં પડયા અને શહીદ થયા.. ગદ્દાર દુશ્મનોએ તેમના પાર્થિવ શરીર ભારત સુધી પહોંચવા દીધો નહોતો.


અંતે એ વીરની શહાદતના એક મહિના બાદ શહીદના પાર્થિવ શરીરને પાછું લાવીને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી. મોરચા પરથી નીચે લાવીને યુદ્ધક્ષેત્રે જ અંતિમ સંસ્કાર કર્યા. મુકેશ રાઠોડ વીરગતિને પામ્યા ત્યારે તેમના પત્ની રાજશ્રાીબેનને પાંચ મહિનાનો ગર્ભ હતો. જે દિવસ આજેય આ પરિવારને યાદ છે..કારગીલ યુદ્ધને ૨૦ વર્ષોના વહાણા વીતી ગયા છે પણ પત્ની સાથે મુકેશ રાઠોડની માતા અને ભાઈ આજેય એ દિવસને ભુલ્યા નથી.. માતા પણ યાદ કરે છે પોતાના વહાલસોયા દીકરાને.


અમદાવાદના કારગિલ પેટ્રોલ પંપ પર મુકેશ રાઠોડની તસવીર આજેય હયાત: અમદાવાદના મુકેશ રાઠોડ, 28 જૂન, 1999ના રોજ ટાઇગર હિલ ખાતે શહીદ થયા હતા. શહીદની પત્નીને સરકાર દ્વારા 30 વરસના લીઝ પર જમીન ફાળવાઇ છે અને ભારત પેટ્રોલીયમ દ્વારા પેટ્રોલ પંપની ફાળવણી કરવામાં આવી હતી. જે આજે કારગિલ પેટ્રોલ પંપ તરીકે જ ઓળખાય છે. શહીદના ભાઇ પેટ્રોલ પંપ સંભાળે છે. જ્યારે મુકેશ રાઠોડ શહીદ થયા ત્યારે તેમની પત્ની ગર્ભવતી હતી.


આજે તેમનો દીકરો મૃગેશ 18 વર્ષનો થઇ ગયો છે. વર્ષ 1999માં મેથી જુલાઈ સુધી ચાલેલા કારગિલ યુદ્ધમાં લગભગ 527 જવાનો શહીદ થયા હતા.પરિવારનો મોટો દીકરો આજેય પરિવાર સાથે નથી.. પરંતુ તેમની વર્દી તેમનાં મેડલ અને તેમની દેશ માટે કંઈક કરી છુટવાની ભાવના આજેય પરિવારને યાદ છે. આ પરિવારની યાદમાં આજેય મુકેશ રાઠોડ જીવીત છે.આજે દરેક ભારતવાસીને ગર્વ છે કે દેશમાં મુકેશ રાઠોડ જેવાં નોજવાન દુશ્મનોનાં દાંત ખાટા કરી દીધા હતા.