

પ્રણવ પટેલ, અમદાવાદ : શહેરનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ચારેય તરફ પીકઅવર્સ સમયમાં ઘણો ટ્રાફિક જોવા મળે છે. ત્યારે ઍમ્બ્યુલન્સ જેવી સેવા આ ટ્રાફિકથી મોટા પ્રમાણમાં પ્રભાવિત થાય છે. આ સમસ્યા નિવારવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જાપાન કંપની દ્વારા એક સફળ પ્રયોગ અમદાવાદ રિવરફ્રન્ટ પર કરવામાં આવ્યો છે. એમ્બ્યુલન્સને જવા માટે રેડ લાઇટવાળુ સિગ્નલ ઓટોમેટિક રસ્તા કરી આપશે. અન્ય વાહનોને સાઇડ પર જવા માટે સૂચન પણ કરશે.


આ અંગે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ટ્વિટ કરી જણાવ્યુ હતું કે, આ પ્રયોગ દેશમાં પ્રથમ વખત અમદાવાદનાં રિવરફ્રન્ટ પર કરવામાં આવ્યો હતો. જે સફળતાપૂર્વક પાર પડ્યો છે. આ સિસ્ટમથી ઍમ્બ્યુલન્સ અને ફાયર માટે ઓટોમેટિક ચાર રસ્તા પર રેડ સિગ્નલ ગ્રિન થઇ જશે. આ પ્રયોગ અમદાવાદ મોટા ભાગના જંકશન પર વર્ષનાં અંત સુધીમાં અમલ કરી દેવામાં આવશે.


મ્યુનિસિપલ સાથેની સમજૂતી મુજબ જાપાનની એક કંપની યુએચએફ બેન્ડ આધારિત તેમજ જાપાનમાં બનેલી v2x ટેકનોલોજીને આધારે સિસ્ટમ ચલાવશે.


ઍમ્બ્યુલન્સ જેવુ ઇમરજન્સી વાહન 800 મીટર દૂર હશે ત્યારે જ તે દિશામાંથી આવતુ હશે તે તરફનું સિગ્નલ ગ્રીન થશે. આજુબાજુનાં સિગ્નલ ઓટોમેટિક રેડ થઇ જશે. પાઇલોટ પ્રોજેક્ટનો હેતુ એમ્બ્યુલન્સને પસાર થવામાં લાગતા સમયમાં ઘટાડો કરવાનો છે. આ સિસ્ટમ લાગ્યા પછી કોઇ પણ દર્દી તેના સ્થળથી મહત્તમ 45 મિનિટમાં હોસ્પિટલ પહોંચી જશે. આ સિસ્ટમ શરૂ કરનારુ અમદાવાદ દેશનું પ્રથમ શહેર થશે.