

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નાના વેપારીઓ અને દુકાનદારો માટે એક લાખ રૂપિયા સુધીની લોનની જાહેરાત કરી છે. આ લોનનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં લોન લેનાર વ્યક્તિએ કોઈ જ ગેરન્ટી આપવી પડશે નહીં. આ યોજનાનો લાભ 10 લાખથી વધારે લોકોને મળી શકે છે. આ લોનનો દર પણ ખૂબ જ વ્યાજબી બે ટકા રાખવામાં આવ્યો છે. આ મામલે ગુજરાતના સહકારી અગ્રણી તેમજ ગુજકામાસોલના ચેરમેન દીલિપ સંઘાણીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ પણ સરકાર આવી યોજના લાવી નથી. આ યોજનાથી લૉકડાઉન બાદ લોકોને પોતાના ધંધા શરૂ કરવામાં અને ઘર બરાબર ચાલે તે માટે ખૂબ મદદ મળશે. આગળ જાણો તમારા દરેક સવાલનો જવાબ...


કેટલા રૂપિયા સુધીની લોન મળશે? : આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત એક લાખ રૂપિયા સુધીની લોન મળી શકશે.


કેટલું વ્યાજ ચૂકવવું પડશે? : લોન લેનાર વ્યક્તિએ ફક્ત બે ટકા વ્યાજ ચૂકવવું પડશે. લોન પરનું છ ટકા વ્યાજ સરકાર ચૂકવશે.


કોને લોન મળી શકશે? : નાના ધંધો કરતા વાળંદ, ધોબી, પ્લમ્બર, નાની કરિયાણા દુકાન, સ્ટ્રીટ વેન્ડર, ઓટો ડ્રાયવર વગેરેને લાભ મળશે.


ફોર્મનું વિતરણ કઈ તારીખથી થશે? : આત્મનિર્ભર ગુજરાત નામની આ યોજના માટેના અરજી ફોર્મનું વિતરણ 21મી મેથી શરૂ કરવામાં આવશે.


ફોર્મ ક્યાંથી મળશે? : રાજ્યની 1000 જેટલી જિલ્લા સહકારી બેન્કની શાખાઓ, 1,400 અર્બન કો-ઓપરેટીવ બેન્કો, 7,000 ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીઓ સહિત કુલ 9000 જગ્યાએથી ફોર્મ મળશે.


કઈ તારીખ સુધી ફોર્મ ભરી શકાશે? : આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક નાના વેપારી કે બિઝનેસમેને ફોર્મ ભરીને 31મી ઓગષ્ટ સુધીમાં શાખાઓમાં પરત આપવાના રહેશે.


કેટલી ફી ચૂકવવી પડશે? : ફોર્મ માટે કોઈ ફી લેવામાં નહીં આવે. લોન મંજૂર કરવા માટે પણ કોઈ કમિશન નહીં લેવામાં આવે.


ગેરન્ટી તરીકે શું આપવાનું રહેશે? : આ યોજના હેઠળ લોન લેવા માટે અરજીકર્તાએ કોઈ જ ગેરંટી નથી આપવાની. ફક્ત સરકારે નક્કી કરેલા પ્રમાણપત્રો આપવાના રહેશે.


લોનની ચૂકવણી કેવી રીતે? : લોન મળ્યાના પ્રથમ છ મહિનામાં કોઈ જ હપ્તો ભરવાનો નહીં રહે. જે બાદમાં હપ્તેથી લોન પરત ચૂકવવાની રહેશે.