અમદાવાદ : રાજ્યમાં 22 અને 23મી ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી (Gujarat Heavy Rain forecast) આપવામાં આવી છે ત્યારે શુક્રવારે સવારથી જ અમદાવાદ શહેરમાં વરસાદ (Ahmedabad Rain) વરસી રહ્યો છે. ગુરુવારે સાંજે પણ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ગુરુવારે સાંજે અનેક વિસ્તારોમાં પડેલા વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાયા હતા. શુક્રવારે સવારથી જ શહેરના સોલા, ભાડજ, ગોતા, ઘાટલોડિયા, થલતેજ, સાંતેજ, એસ.પી. રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાક અને ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો હતો.
નરોડામાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પણ પાણી ભરાયા હતા. જેના પગલે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે સવારના છ વાગ્યાથી 12 વાગ્યા દરમિયાન રાણીપ વિસ્તારમાં સૌથી વધારે બે ઇંચ વરસાદ પડ્યો હતો. ટાગોર કંટ્રોલ ખાતે પોણા બે ઇંચ, ચાંદખેડા અને ઉસ્માનપુરા ખાતે એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે. બોડકદેવમાં પણ એક ઇંચની આસપાસ વરસાદ નોંધાયો છે. સરખેજમાં સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે વટવા ખાતે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી : ગુજરાતમાં મેઘરાજા મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. મોટાભાગના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. બીજી તરફ હજુ પણ મેઘ મહેર ચાલુ રાખશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે ચાર દિવસ રાજ્ય માટે ભારે હોવાની વાત કરી છે. જેમાં 22 અને 23 ઓગસ્ટના રોજ રાજ્યમાં અતિભારે વરસાદ વરસી શકે છે. ઝોન પ્રમાણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આ વર્ષે ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે. અહીં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં કે જ્યાં આ વર્ષે ખૂબ વધારે વરસાદ પડ્યો છે ત્યાં હજુ ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં 25મી ઓગસ્ટ બાદ વરસાદનું જોર ઘટશે તેવો અંદાજ હવામાન વિભાગે લગાવ્યો છે.