

વિભુ પટેલ, અમદાવાદ: 14 ફેબ્રુઆરીના વેલેન્ટાઈન ડે (Valentine day celebration)ની ઉજવણી કરવા પ્રેમી યુગલો તૈયારી કરી રહ્યા છે. કોઈ ગુલાબ આપીને તો કોઈ મોંઘી ગિફ્ટ (Gift) આપીને વેલેન્ટાઈન ડેની ઉજવણી કરશે. તો કોઈ વેલેન્ટાઈન ડેની ઉજવણીનો વિરોધ પણ કરશે. હાલ પ્રેમી યુગલો (Couple) પ્રેમના દિવસની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન વેલેન્ટાઈન ડે પહેલા અમદાવાદમાં બિગેસ્ટ હાર્ટ (Biggest heart) આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.


અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસની બાજુમાં બિગેસ્ટ હાર્ટ મૂકવામાં આવ્યું છે. આ હાર્ટ કોર્પોરેશન નહીં પરંતુ એક ખાનગી કંપની દ્વારા મૂકવામાં આવ્યું છે. આજકાલ લાલ રંગરનું બિગેસ્ટ હાર્ટ યુવાઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આજકાલ આ હાર્ટ સેલ્ફી લેવાનું હોટ સ્પોટ બની ગયું છે.


એટલું જ નહીં, આ બિગેસ્ટ હાર્ટ લોકોને એટલું તો આકર્ષી રહ્યું છે કે રસ્તે જતા લોકો પણ પોતાના વાહનો થોભાવીને બિગેસ્ટ હાર્ટ સાથે સેલ્ફી લઈ રહ્યા છે. લોકો વેલેન્ટાઈન ડે પહેલા જ હાર્ટ સાથે સેલ્ફી લઈ આ યાદને મોબાઈલમાં કંડારી રહ્યા છે.


અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાતે આવતા સહેલાણીઓને આકર્ષિત કરવા માટે અલગ અલગ નજરાણા રાખવામાં આવ્યા છે. હવે અહીં વેલેન્ટાઈન ડે માટે સ્પેશ્યલ હાર્ટ મૂકવામાં આવ્યું છે. પ્રેમના પ્રતીક એવા હાર્ટ સાથે લોકો સેલ્ફી લઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. રિવરફ્રન્ટ પર આવતા સહેલાણીઓ, મોર્નિંગ વૉક કરવા આવતા લોકો માટે પણ આ હાર્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.