અમદાવાદ : રાજ્યમાં હવામાન વિભાગની આગાહી ( Gujarat Weather Forecast) મુજબ 18 ઑગસ્ટથી વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે 19મી ઑગસ્ટથી આજે સવારે 20મી ઑગસ્ટના સવારે 6.00 વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યમાં 139 તાલુકામાં (gujarat Rains in 139 Taluka) વરસાદ વરસ્યો છે. ખાસ કરીને હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ છે. તો આગામી બે દિવસ પણ દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Rain Forecast by Ambalal Patel) પણ આગામી 3 દિવસ રાજ્યના આ વિસ્તાર માટે વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા વરસાદની વાત કરીએ તો વલસાડમાં 133 મીમી એટલે કે 5.25 ઇચ, પારડીમાં 132 મીમી, ધરમપુરમાં 120 મીમી, લીલીયામાં 114 મીમી, વાપીમાં 109 મીમી, અમરેલીમાં 108 મીમી, વઘઈમાં 85 મીમી, હાંસોટમાં 81 મીમી, તાપીના ડોલવણમાં 79 મીમી, નવસારીના ખેરગામામાં 75 મીમી, વાંસદામાં 74 મીમી, ઉમરગામમા 73 મીમી, વ્યારામાં 69 મીમી સુરતના પલસાણામાં 64 મીમી, કપરાડામાં 64 મીમી વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં હાલમાં દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરી છે તો અન્ય વિસ્તારમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે અંબાલાલે 20-21 અને 22 તારીખના રોજ ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એવરેજ 11.90 મીમી વરસાદ થયો છે. રાજ્યના 33 પૈકીના 24 જિલ્લામાં અને 129 તાલુકામાં આ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 20મી ઓગસ્ટની સ્થિતિએ કુલ 40.40 ટકા જેટલો વરસાદ થયો છે. આમ ખેડૂતો માટે હજુ પણ ચિંતાના વાદળો ઘેરાયા છે. હાલની સ્થિતિ મુજબ સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 49.10 ટકા વરસાદ વરસ્યો છે. તસવીર: Shutterstock