ગુજરાત (Gujarat) પરથી Tauktae વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. ત્યારે હવે રાજ્યનાં વાતાવરણમાં (weather) પલટો આવશે અને કાળઝાળ ગરમી (Summer) ફરીથી શરૂ થશે. વાવાઝોડાની અસરને કારણે આજે ગુરૂવારે પણ સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતનાં કેટલાક સ્થળોએ ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે 21મી તારીખે શુક્રવારે રાજ્યભરમાં શુષ્ક વાતાવરણનો અનુભવ થશે અને તાપમાનમાં વધારો નોંધાશે.
શુક્રવારથી રાજ્યમાં તમામ વિસ્તારોમાં ઉનાળાની ઋતુ છવાશે અને તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો વધારો થવાની આગાહી છે. નોંધનીય છે કે, સોમવારે રાત્રે દીવ અને ઉના વચ્ચે થયેલા લૅન્ડફોલ બાદ મંગળવારે વાવાઝોડું ગુજરાતના વિવિધ ભાગોમાંથી પસાર થયું હતું. વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધ્યું હતું. આ વાવાઝોડાએ રાજ્યનાં અનેક વિસ્તારોમાં તબાહી સર્જી છે. જેની સામે પીએમ મોદીએ આકાશી નિરિક્ષણ કરીને રાજ્યને એક હજાર કરોડની સહાય કરી છે.
Tauktae વાઝોડું ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં ફેરવાયું છે અને ગુજરાતમાં થયેલી તારાજીનો અંદાજ કાઢવામાં આવી રહ્યા છે, એ વચ્ચે વધુ એક વાવાઝોડું ભારત પર ત્રાટકે તેવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે. બંગાળની ખાડીમાં લૉ-પ્રૅશર સર્જાયું છે અને તેના કારણે વાવાઝોડું સર્જાઈ શકે છે. 23-25 મે વચ્ચે આ વાવાઝોડું પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને મ્યાંમારથી પસાર થવાની સંભાવના છે. સ્કાયમેટ વેધરે ટ્વીટ કરીને જણાવ્યું કે બંગાળની ખાડીમાં ‘યાસ’ વાવાઝોડું સર્જાઈ શકે છે.