

સંજય ટાંક, અમદાવાદ : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ (Education Department) તરફથી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની એકમ કસોટી (Examination) લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ આ આયોજનમાં અનેક અડચણો હોવાનું બહાર આવ્યું છે. જે અંગેના વિગતવાર મુદ્દાઓ સાથે રાજ્ય શાળા સંચાલક મહા મંડળ ટ્રસ્ટે રાજ્યના શિક્ષણ મંત્રી (Education Minister Bhupendrasinh Chudasama)ને પત્ર લખ્યો છે. પત્રમાં એવું પણ ટાંકવામાં આવ્યું છે કે એકમ કસોટી લેવા બાબતે શાળા સંચાલક મહામંડળનો કોઈ વિરોધ નથી પરંતુ ગુજરાતીમાં કહેવત મુજબ આ આયોજન ભેંસ ભાગોળે છાશ છાગોળે અને ઘરમાં ધમાધમ જેવી વાત છે. આથી જે આયોજન કાગળ પર કરાયું છે તેને ઑનગ્રાઉન્ડ અમલમાં કેવી રીતે મૂકાશે તેના પર વિચાર કરવા સૂચન કર્યું છે. (પ્રતિકાત્મક તસવીર)


ગુજરાત રાજ્યના શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, રાજ્યમાં સરકારી, ગ્રાંટ ઇન એઇડ અને સ્વનિર્ભર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એક સમાન રીતે ધોરણ 9થી 12માં આગામી 29 અને 30 જુલાઈએ એકમ કસોટી લેવાનો નિર્ણય કરાયો હતો. આ નિર્ણય બાદ રાજ્યમાં કોવિડ 19ની મહામારી વકરી છે. જૂન મહિનામાં આ એકમ કસોટી લેવાનું નક્કી કરાયું છે ત્યારે અનેક બાધાઓ અને મુશ્કેલીઓ હતી. (પ્રતિકાત્મક તસવીર)


આ સમયે રાજ્યની તમામ શાળાઓમાં પાઠયપુસ્તકો પહોંચ્યા ન હતા અને સ્વનિર્ભર શાળાઓના વાલીઓ પણ કોરોનાના કારણે તે પુસ્તકો બજારમાં વેચાતા ન હોવાથી ઘણા દિવસો બગડ્યા હતા. ઓનલાઇન શિક્ષણમાં પણ ગરીબ અને આદિવાસી વિસ્તારમાં બાળકો પાસે મોબાઈલ અને ઈન્ટરનેટ કનેક્ટિવિટીનો અભાવ હતો જેથી ઓનલાઈન શિક્ષણ બાળક સુધી પહોંચ્યું હશે કે કેમ તેના પર પણ સવાલો છે.


સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં મુખ્ય વિષય ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષકોની ઘટ છે, જેથી જો વિદ્યાર્થીઓ વિષય ભણ્યા જ નહીં હોય તો કસોટી કેવી રીતે આપશે. પરિપત્ર મુજબ વિદ્યાર્થીઓ પોતાના ઘરે આ એકમ કસોટીઓ આપશે જે માટે તેમની પાસે પ્રશ્નપત્રનો સોફ્ટ કોપી, હાર્ડ કોપી પહોંચાડવા આવશે. પણ એક ક્લાસમાં 60 વિદ્યાર્થીઓ હોય અને શહેર વિસ્તારમાં વિદ્યાર્થીઓ 20થી 30 કિલોમીટરની ત્રિજિયામાં રહેતા હોય છે. તેમજ ગામડામાં 8થી 10 ગામડામાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય ત્યારે તેના ઘર સુધી પ્રશ્નપત્ર કેવી રીતે પહોંચાડી શકશે તે સવાલ છે. (પ્રતિકાત્મક તસવીર)


શહેરની ઘણી શાળાઓમાં પરપ્રાંતીય વિદ્યાર્થીઓ કોરોનાના ડરથી વતન ચાલ્યા ગયા છે. જેઓ હજુ પરત ફર્યા ન હોવાના કિસ્સામાં વિદ્યાર્થીઓની કસોટી કેવી રીતે શક્ય બનશે? આ ઉપરાંત 31 જુલાઈએ વાલીઓને એકમ કસોટીની નોટબુક જમા કરાવી જવાની સૂચના છે. આવા સંજોગોમાં કોરોનાના સંક્રમ નો પણ ભય રહેલો છે. જેથી એકવાર શાળાઓ રાબેતા મુજબ શરૂ થયા પછી એકમ કસોટી યોજવા સૂચન કરાયું છે.