સંજય ટાંક, અમદાવાદ : છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલ ફીના મુદ્દે સરકારે 25 ટકા ફી માફીની જાહેરત કરી દીધી છે પણ વાલીઓ સ્કૂલ ફીમાં 100 ટકાની માફી માંગી રહ્યા હતા. જેથી વાલીઓમાં નારાજગી ફેલાઈ છે. સરકારની જાહેરાત બાદ નિકોલ વિસ્તારના વાલીઓએ આ જાહેરાતને લોલીપોપ ગણાવી હતી અને લોકોને લોલીપોપ વહેંચી વિરોધ નોંધાવ્યો હતો.
કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે તેવામાં જ્યારથી લોકડાઉન જાહેર થયું ત્યારથી સ્કૂલોમાં અને કોલેજોમાં શિક્ષણ કાર્ય અટકી પડ્યું છે. કેટલીક કોલેજો અને શાળાઓમાં ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. રાજ્યની તમામ શાળામાં ઓનલાઇન અભ્યાસ થઈ રહ્યો નથી. બીજુ કે લોકડાઉન બાદ ઘણા લોકોની આર્થિક હાલત કફોડી થઈ છે અને સ્કૂલ સંચાલકો દ્વારા ફી ભરવાને લઈન સતત દબાણ થતા ફી વિરોધનો મામલો ઉઠ્યો હતો. એક તબક્કે આ મામલો હાઇકોર્ટ પણ પહોંચ્યો હતો. અને હાઇકોર્ટે ફીનું ધોરણ નક્કી કરવાની જવાબદારી સરકાર પર સોંપી હતી. ત્યારથી વાલી મંડળના મોટાભાગના આગેવાનો અને વાલીઓ સ્કૂલ ફીમાં 100 ટકા માફી માંગી રહ્યા હતા. જ્યારે કેટલાક વાલી મંડળના આગેવાનો 50 ટકા ફી માફીના ફેવરમાં હતા. જ્યારે સ્કૂલ સંચાલકો 10 ટકા ફી માફી આપવાના મૂડમાં હતા. તેવામાં સરકારે 25 ટકા ફી માફી આપતા વાલીઓ રોષે ભરાયા છે.
શિક્ષા રક્ષા અભિયાનના આગેવાન કમલ રાવલે આ જાહેરાતને લોલીપોપ ગણાવી હતી અને આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તેમણે જણાવ્યું હતું કે અત્યારે હાલત કફોડી હોવા છતાં ઘણા વાલીઓએ ઓનલાઇન અભ્યાસ માટે 15 થી 20 હજાર ખર્ચી મોબાઈલ લીધા છે અને દર મહીને ઇન્ટનેટ ડેટા માટે રૂપિયા ખર્ચી રહ્યા છે. તેમાંય અભ્યાસ માટે બધો ખર્ચો તો વાલીઓએ કર્યો સ્કૂલમાં તો કોઈ ખર્ચો થયો નથી. તો ફી શેની હોઈ શકે.
નિકોલના વાલીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આ જાહેરાત માત્રને માત્ર લોલીપોપ ગણાવી લોકોને લોલીપોપ વહેંચી વિરોધ નોંધાવ્યો હતો અને સરકાર સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કરી રહેલા જયેશ પટેલે જણાવ્યું હતું કે સરકારે વાલીઓ સાથે છેતરપિંડી કરી છે. મહત્વનું છે કે સરકારની ફી માફીની જાહેરાત બાદ પણ ફી નો મુદ્દો ઉકેલાવવાની જગ્યાએ ગુંચવાયો છે. મોટાભાગે વાલીઓએ આ ફી માફીની જાહેરાતને અમાન્ય ગણાવી છે ત્યારે આગામી દિવસોમાં વાલીઓના ઉગ્ર વિરોધ જોવા મળે તો નવાઈ નહીં.