

અમદાવાદ : અનલોક 3.0 (Unlock 3.0) અંતર્ગત રાજ્ય સરકારે હૉટલ કે રેસ્ટોરન્ટ (Hotel-Restaurant) અંગે મોટો નિર્ણય લેતા હૉટલ માલિકોની સાથે સાથે મોડી રાત્રે કામ કરતા લોકો માટે રાહતના સમાચાર છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે પણ કન્ટેનમેન્ટ વિસ્તાર (Containment Zone) સિવાય અનેક પ્રવૃત્તિઓને છૂટ આપી છે. જે બાદ હવે રાજ્ય સરકારે હોટલ કે રેસ્ટોરન્ટમાંથી એકઅવે અને પાર્સલ સેવા માટેની સમયમર્યાદા હટાવી દીધી છે. આ પહેલા જ સરકારે નાઇટ કર્ફ્યૂમાં છૂટ આપી દીધી છે. (પ્રતિકાત્મક તસવીર)


પાર્સલ/ટેકઅવે સુવિધા માટે સમયમર્યાદા દૂર : ગૃહ વિભાગના જાહેરનામા પ્રમાણે રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાય હૉટલ કે રેસ્ટોરન્ટમાં જે 10 વાગ્યાની સમયમર્યાદા હતી તેને દૂર કરવામાં આવી છે. જોકે, આ મર્યાદા ફક્ત ટેકઅવે અથવા પાર્સલ સેવા માટે જ હટાવવામાં આવી છે. નોંધનીય છે કે અનલોક 3.0 અંતર્ગત કેન્દ્ર સરકારની ગાઇડલાઇન બાદ રાજ્ય સરકારે દુકાન ખુલ્લી રાખવાનો સમય આઠ વાગ્યા સુધી અને હૉટલ-રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવાનો સમય વધારીને 10 વાગ્યાનો કર્યો હતો. જે પ્રમાણે હોટલ-રેસ્ટોરન્ટ 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે, હવે આ મર્યાદા ફક્ત પાર્સલ કે ટેકઅવે માટે દૂર કરવામાં આવી છે. (પ્રતિકાત્મક તસવીર)


શું અસર થશે? : ગૃહ વિભાગના જાહેરનામા બાદ હવે હૉટલ-રેસ્ટોરન્ટ મોડી રાત સુધી ખુલ્લાં રહેશે. જેનાથી પાટા પરથી ઉતરી ગયેલો ખાણી-પીણીનો બિઝનેસ ફરીથી પાટા પર ચડશે. કારણ કે પહેલા 10 વાગ્યા સુધીની જ મર્યાદા હોવાને કારણે હોટલ-રેસ્ટોરન્ટને એટલો બિઝનેસ મળતો ન હતો. 10 વાગ્યા પછી પાર્સલ અને ટેકઅવે સેવા ચાલુ રહેવાથી રાત્રે કામ કરતા લોકોને રાહત મળશે. (પ્રતિકાત્મક તસવીર)


હૉટલ-રેસ્ટોરન્ટમાં બેસીને નહીં જમી શકાય : ગૃહ વિભાગના આદેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ આદેશ ફક્ત પાર્સલ કે ટેકઅવે માટે જ છે. એટલે કે 10 વાગ્યા બાદ કોઈ પણ ગ્રાહક હોટેલ-રેસ્ટોરન્ટમાં બેસીને જમી નહીં શકે. આ ઉપરાત હોટલ માલિકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત કોરોનાની તમામ ગાઇડલાઇનનું પણ પાલન કરવાનું રહેશે. જો આવું નહીં કરવામાં આવે તો નિયમભંગ બદલ જે તે હોટલ-રેસ્ટોરન્ટના માલિક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. (પ્રતિકાત્મક તસવીર)