

વિભુ પટેલ, અમદાવાદ: ગુજરાતમાં હવે કોરોનાના કેસ (Coronavirus Cases) માટે કરવામાં આવતા આરટી-પીસીઆર ટેસ્ટ (RT-PCR Test)ની કિંમત ઘટાડીને 800 રૂપિયા કરવામાં આવી છે. એટલે કે હવે કોઈ પણ વ્યક્તિ સરકાર તરફથી નક્કી કરવામાં આવેલી ખાનગી લેબોરેટરી (Private Laboratory)માં 800 રૂપિયા ચાર્જ ચૂકવાની આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી શકે છે. આ માટે વ્યક્તિએ લેબ પર જઈને ટેસ્ટ કરાવવો પડશે.


બીજા કેસમાં જો વ્યક્તિ લેબકર્મીને ઘરે બોલાવે છે તો તેણે આ માટે 1,100 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. આ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. આ પહેલા ગુજરાતમાં ખાનગી લેબ તરફથી આરટી-પીસીઆર ટેસ્ટ માટે 1,500 રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો. જો લેબકર્મી ઘરે આવીને સેમ્પલ લઈ જાય તો 2,000 રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો. સરકારની નવી જાહેરાતથી કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા લોકોને રાહત મળશે. સાથે જ ઓછી કિંમત હોવાથી વધારે લોકો તેનો લાભ પણ લેશે. ખાનગી લેબ ઉપરાંત સરકાર તરફથી કોરોના અંગેનો ફ્રી ટેસ્ટ ચાલુ છે. આ માટે વિવિધ શહેરમાં સરકાર તરફથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સરકાર તરફથી નક્કી કરવામાં આવેલા સ્થળો પર જે તે વ્યક્તિ જઇને ફ્રી ટેસ્ટ પણ કરાવી શકે છે.


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નવી કિડની હૉસ્પિટલ ખાતે કોવિડના દર્દીઓ માટે બેડ તૈયાર કરાયા હોવાથી હૉસ્પિટલનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યાં હતા. આ પ્રસંગે તેમણે આ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદના મંજુશ્રી કેમ્પસમાં નવી કિડની હોસ્પિટલ રૂપિયા 350 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. કિડની હૉસ્પિટલ માટે 10 માળનું બિલ્ડિંગ બનવવામાં આવ્યું છે. જેમાં 400 બેડ કોવિડ દર્દીઓ માટે તૈયાર કરાયા છે. કોવિડ હૉસ્પિટલનું નિરીક્ષણ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સુવિધાઓને લઈને ડૉક્ટરો સાથે ચર્ચા પણ કરી હતી. હાલ ભારત સરકારે ફાળવેલા 80 વેન્ટિલેટરમાંથી 56 વેન્ટિલેટર કિડની હૉસ્પિટલ ખાતે મૂકવામાં આવ્યા છે. નીતિન પટેલે હૉસ્પિટલનું નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી સાથે બેઠકમાં વારંવાર કોવિડ અંગે વિચાર વિમર્શ કરીને કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર કોરોનાને જરા પણ હળવાશથી લેવા નથી માંગતી. દિવાળી અને તહેવારોના કારણે કેસોની સંખ્યા વધી છે. જેના અનુસંધાને છ દિવસના ટૂંકા સમયગાળામાં કોવિડ હૉસ્પિટલ ખાતે વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે.


રાજ્યમાં સોમવારે 1,502 નવા કેસ નોંધાયા: સોમવારે રાજ્યમાં કોરોના વાયરસના 1,502 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં સતત 300 ઉપર કેસ આવી રહ્યા છે. સોમવારે શહેરમાં 291 અને જિલ્લામાં 21 કેસ નોંધાયા છે. રાજ્યમાં વધુ 20 દર્દીનાં કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોવિડના કારણે કુલ 2,09,870 દર્દીઓ સંક્રમિત થઈ ચુક્યા છે. આ સાથે જ અમદાવાદમાં કેસનો કુલ આંકડો 50,000ને પાર થઈ ગયો છે.


છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અમદાવાદમાં 313, સુરતમાં 264સ વડોદરામાં 187, રાજકોટમાં 140, મહેસાણામાં 70, કચ્છમાં 33, ગાંધીનગરમાં 59, પંચમહાલમાં 31, બનાસકાંઠામાં 28, જામનગરમાં 35, પાટણમાં 26, મોરબીમાં 25, મહીસાગરમાં 24, સુરેન્દ્રનગરમાં 23, ખેડામાં 22, સાબરકાંઠામાં 22 કેસ નોંધાયા છે. દાહોદમાં 20, ભરૂચમાં 19, આણંદમાં 16, નર્મદામાં 16, નવસારીમાં 15, જૂનાગઢમાં 25, અરવલ્લીમાં 10 ભાવનગરમાં 14, ગીરસોમનાથમાં 10, તાપીમાં 9, બોટાદમાં 8, જામનગમરાં 8, પોરબંદરમાં 6, દેવભૂમિ દ્વારકામાં 5, છોટાઉદેપુરમાં 3, ડાંગમાં 2 કુલ 1502 કેસ નોંધાયા છે. રાજ્યમાં સોમવારે 1,401 દર્દી સાજા થયા છે. રાજ્યમાં હાલમાં 14,970 એક્ટિવ કેસ છે, જ્યારે વેન્ટિલેટર પર 83 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1,98,021 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 3,987 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યનો રિકવરી દર 90.96 ટકા છે.