

પ્રણવ પટેલ, સુરત : સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીની 150મી જન્મ જંયતિની ઉજવણી થવા જઇ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ ઉજવણીના ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ત્યારે ગુજરાત કૉંગ્રસ દ્વારા ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં બે અલગ અલગ મીઠા સત્યાગ્રહની ભૂમી દાંડી અને ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદથી આ ઐતિહાસિક યાત્રાનો પ્રારંભ થશે


ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા જણાવ્યું હતુ કે, ગુજરાત કૉંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીની 150મી જન્મ જંયતિ નિમિતે ગાંધી સંદેશ યાત્રા યોજવામાં આવશે. 27 સપ્ટેમ્બરથી શરૂ થનારી યાત્રા 2 ઓક્ટોબરે અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે સાંજે પ્રાર્થના સભા સાથે પૂર્ણ થશે. બીજી ઓક્ટોબરના રોજ કોચરબ આશ્રમથી ગાંધી આશ્રમ આઠ કિ.મી.ની પદયાત્રા પણ યોજાશે.


દાંડીથી સાબરમતી સુધીની 368 કિ.મી. "ગાંધી સંદેશ યાત્રા"નું નેતૃત્વ ગુજરાત પ્રદેશ કૉંગ્રસ પ્રમુખ અમિત ચાવડા કરશે. પોરબંદરથી સાબરમતી આશ્રમ સુધીની 412 કિ.મી. યાત્રાનું નેતૃત્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી કરશે.


વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે યાત્રા દરમિયાન પ્રભાત ફેરી, ગાંધી વિચાર સંવાદ , શ્રમદાન, સફાઇ, સામાજિક અસ્પૃસ્યતા નિવારણ, સંગઠનના કાર્યક્રમો યોજાશે. તેમજ શાળા કોલેજમાં ગાંધીજીવન સંદેશ પર વાર્તાલાપ યોજાશે. વર્તમાન સરકાર અંગ્રેજ શાસન જેવું કામ કરી રહી હોવાથી કૉંગ્રેસ ગાંધી વિચાર સાથે સરકારને લડત આપશે.