

સંજય ટાંક, અમદાવાદ: કોરોના કાળમાં સંક્રમણ વચ્ચે જે લોકોએ પોતાનું ઘર ડિસઈન્ફેક્ટ (Disinfect Home) કરાવવા માટે હજારો રૂપિયા ખર્ચ્યા છે તેઓ માટે આ સમાચાર ખૂબ જ મહત્ત્વના છે. અત્યાર સુધી કોરોના (Coronavirus)ને કારણે ઘણા લોકોએ પોતાના ઘર, સોસાયટી એટલું જ નહીં, કોવિડ હૉસ્પિટલ (Covid Hospital)હોય કે હૉટલને સેનિટાઈઝ કરાવવા પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કર્યો છે. સામાન્ય રીતે કોરોના સમય દરમિયાન એક ઘર ડિસઇન્ફેક્ટ કરાવવા માટે 2000 થી 2500 રૂપિયાનો ખર્ચ થતો હતો. તેની જગ્યાએ હવે માત્ર 15થી 20 રૂપિયામાં ઘર ડિસઇન્ફેક્ટ થઈ જશે.


ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના સ્ટાર્ટઅપને કારણે આ શક્ય બન્યું છે. GTUના સ્ટાર્ટઅપે એક એવું કેમિકલ બનાવ્યું છે, જેનાથી ઘર, હૉસ્પિટલ, કે પછી કોઈ પણ પ્રકારની સપાટી હોય તેને નજીવા ખર્ચમાં ડિસઇન્ફેક્ટ કરી શકાશે. આ અંગે GTU સ્ટાર્ટઅપ ભાવેશભાઈ સાલવી જણાવે છે કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે આ પ્રોડક્ટ લૉંચ કરવામાં આવી હતી.


કોરોનાનું સંક્રમણ વધતું હતું તેવામાં આ પ્રકારનું કેમિકલ તૈયાર કરવાનો વિચાર આવ્યો હતો અને તરત જ ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી સ્ટાર્ટઅપ શરૂ કર્યું. જે સરફેસને સેનિટાઇઝ કરવામાં આવે તે ફક્ત પાંચ જ સેકન્ડમાં બેક્ટેરિયા કે વાયરસ રહિત થઈ જાય છે. અમેરિકા સ્ટાન્ડર્ડની ટેસ્ટિંગ પદ્ધતિથી આ કેમિકલ ટેસ્ટ કરવામાં આવ્યું છે.


આ કેમિલકના 5 સેકન્ડ, 10 સેકન્ડ, 30 સેકન્ડ, 1 મિનિટ અને 5 મિનિટના લેવલ પર ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. કોઈ પણ ઘરના રૂમમાં ડિસઇન્ફેકટ કરવું હોય તો તે માટે દર સ્ક્વેર ફૂટ દીઠ 1 પૈસા જેટલો ખર્ચ થાય છે. કોરોનામાં લૉકડાઉન સમયે જે ટ્રેન દોડાવવામાં આવતી તેવી 15 ડબ્બાની એક ટ્રેન સેનિટાઈઝ કરવા માટે 7,500 રૂપિયાનો ખર્ચ થતો હતો. આ કેમિકલથી માત્ર 94 રૂપિયા જ ખર્ચ થાય અને આખી ટ્રેન સેનિટાઈઝ થઈ જાય છે.


આ કેમિકલનો ઉપયોગ હૉસ્પિટલમાં અને ક્વૉરન્ટીન સેન્ટરમાં પણ ઉપયોગ કરી શકાય છે. મહત્ત્વનું છે કે કોરોનાને હરાવવા માટે GTUના સ્ટાર્ટઅપ તરફથી શાકભાજી સેનિટાઈઝર, ચલણી નોટ સેનિટાઇઝર, સેનિટાઈઝર બેલ્ટ, સોશિયલ ડિસ્ટન્સિંગ બઝર જેવા ઇનોવેશન તૈયાર કરાયા. તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા વધુ એક સ્ટાર્ટઅપે કોરોના સામે પ્રોડક્ટ તૈયાર કરી છે.