

સંજય ટાંક, અમદાવાદ : ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો પ્રારંભ થયો છે. ઓનલાઇન, ઓફલાઇન અને ત્યારબાદ સ્પેશિયલ પરીક્ષા પણ યોજાશે. પણ જો આ પરીક્ષામાં ગેરરીતિ આચરી કે ચોરી કરતા પકડાયા તો કડક સજા ભોગવવા પણ વિદ્યાર્થીઓ એ તૈયાર રહેવું પડશે. પરીક્ષાને લઈને પાળવાના નિયમોની મસમોટી યાદી GTUએ તૈયાર કરી છે. જેમાં ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓ માટે 1 થી 4 સેમેસ્ટર રદ થવા સુધીની સજાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.


GTUની ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં પીજીના 1229 વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા યોજાઈ છે. યુજીસીની ગાઈડ લાઈન પ્રમાણે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા યુજી, પીજી , ડિપ્લોમાં અને ડિગ્રીની વિવિધ શાખાઓના વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવાની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી હતી. જેનો પ્રથમ તબક્કામાં પીજીના દરેક કોર્સના 1229 વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા છે. જ્યારે યુજીના વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા આગામી તારીખ 4 ઑગસ્ટથી લેવાશે.


GTUના રજિસ્ટ્રાર કે. એન. ખેરે જણાવ્યું હતું કે જીટીયુ દ્વારા પરીક્ષા માટે 3 વિકલ્પ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે. જેમાં ઓનલાઈન , ઓફલાઈન અને ત્યારબાદ પણ સ્પેશ્યલ પરીક્ષા છે. જેમાં ડિગ્રી કોર્સમાં 19700 , ડિપ્લોમામાં 3477 અને પીજીના 1229 વિદ્યાર્થીઓ સહિત કુલ ઓનલાઈન પરીક્ષા માટે તમામ બ્રાન્ચના થઈને 26095 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.


ઓનલાઈન પરિક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ના થાય, તે માટે જીટીયુ દ્વારા સજાના નિયમો ધડવામાં આવ્યા છે. જેમાં કુલ 5 કેટેગરીમાં ગેરરીતિ કરનાર વિદ્યાર્થીને યુનિવર્સિટી દ્વારા સજા કરવામાં આવશે. જો વિદ્યાર્થી કેમેરા સામે કોઈ સાહિત્ય કે ઈશારા કરતાં ઝડપાશે તો, જે-તે વિષયનું પરિણામ રદ્ કરવામાં આવશે.


જો વિદ્યાર્થી લાંબા સમય સુધી કેમેરા સામે નહીં દેખાય અથવા તો કોઈના દ્વારા જવાબ લખાવાતા હશે કે તેમનું ડિવાઈસ અન્ય ડિજીટલ ઉપકરણ સાથે જોડાયેલું હશે તો સમગ્ર સેમેસ્ટરનું પરિણામ રદ ગણાશે. વેબસાઈટ કે અન્ય જગ્યાએથી જવાબ કોપીપેસ્ટ કરતાં જોવા મળશે તો, ચાલું સેમેસ્ટરનું પરિણામ રદ કરીને આગામી સેમેસ્ટર માટે પણ પરીક્ષા આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. અને ડમી વિદ્યાર્થીના કેસમાં 4 સેમેસ્ટરની પરીક્ષા માટે વિદ્યાર્થીને ગેરલાયક ગણીને ડિબાર્ડ કરવામાં આવશે. તથા બે વર્ષ સુધી પરીક્ષા આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. જ્યારે આ ચારે કેટેગરી સિવાય અન્ય કોઈ ગંભીર ગેરરીતિ કરેલી જણાશે તો યુએફએમ કમિટી સમક્ષ કેસ મૂકાશે.