

હર્મેશ સુખડિયા, અમદાવાદ: લૉકડાઉનમાં કરફ્યૂ તો લાદવામાં આવ્યો છે. પણ જાણે કે, આ કરફ્યૂ સામાન્ય નાગરિકો માટે જ હોય તેવું લાગી રહ્યું છે. શહેરના (Ahmedabad) રાણીપ વિસ્તારમાં એક દૂધ પાર્લરમાં વહેલી સવારે 4 વાગ્યે રિક્ષામાં ત્રણ તસ્કરો આવીને 56 જ સેકન્ડમાં દૂધ અને છાશના 11 કેરેટ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ આખી ઘટના સીસીટીવી (CCTV) ફૂટેજમાં કેદ થઇ ગઇ હતી. ત્યારે વહેલી સવારે કરફ્યુ હોવા છતાં આ તસ્કરો રિક્ષા લઈને પહોંચ્યા કેવી રીતે તે એક સવાલ છે.


રાણીપમાં આવેલા કલ્યાણ કુંજ એપાર્ટમેન્ટમાં રહેતા રાકેશભાઈ તિવારી રાધાસ્વામી રોડ પર ગણેશ ડેરી ફાર્મ નામની દુકાન ધરાવે છે. તેઓની દુકાનમાં વહેલી સવારે અમૂલ કંપનીની ટ્રક આવીને દૂધ અને છાશના કેરેટ મૂકીને જતી રહે છે.


તેમના ત્યાં એક માણસ પણ રાખવામાં આવ્યો છે, જે માણસ સવારે લોકોને દૂધ અને છાશ વેચે છે. ગત 26મીએ સવારે ત્રણ લોકો રિક્ષામાં આવ્યા હતા. આ ત્રણ લોકોએ 4:20 વાગે આવી અને દૂધ અને છાશના કેરેટ રિક્ષામાં ભરી 4:21 વાગે ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.


આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા રાણીપ પોલીસે તસ્કર ટોળકીને પકડવા તજવીજ હાથ ધરી છે.