અમદાવાદ : સમગ્ર રાજ્ય જ્યારે દિવાળીના પર્વની ઊજવણી કરી રહ્યું હતું ત્યારે રાજ્યમાં અકસ્માતોની પણ વણઝાર થઈ હતી. ખાસ કરીને આગના અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યમાં દિવાળીની રાત્રે જુદા જુદા ચાર સ્થળો પર આગની ઘટના સામે આવી છે. આ આગની ઘટનામાં અમદાવાદ, વલસાડ, ગોધરા અને સુરતમાં દુર્ઘટનાઓ સર્જાઈ હતી. જોકે, આ ઘટનાઓમાં રાત્રિનો સમય હોવાથી અને ખાસ કરીને દિવાળીની રજાના માહોલના કારણે કોઈ જાનહાનિ સર્જાઈ નથી.
વાપી : વલસાડ જિલ્લાના ઉમરગામ જીઆઇડીસીમાં એક કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી ..અડધી રાત્રે ઉમરગામ જીઆઇડીસીના થર્ડ ફેસ માં આવેલી એક કેમિકલ કંપનીમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી .. સોવેન કેમિકલ્સ નામની કંપનીમાં કેમિકલ બનતું હોવાથી તૈયાર અને કાચો સામાન મોટી માત્રામાં હોવાથી થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કંપની નો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ઉમરગામની ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા. (ભરતસિંહ વાઢેર, વલસાડ)