

સંજય ટાંક, અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી આગ (Ahmedabad Fire incidents) લાગવાના બનાવોમાં વધારો થયો છે. જોકે, આગના બનાવો સામે પહોંચી વળવા ફાયર સેફ્ટી ફરજિયાત મોટી મોટી વાતો તો થઈ રહી છે પરંતુ ગ્રાઉન્ડ પર કંઈ થતું નથી. શહેરના અંકુર વિસ્તારમાં આગની ઘટના બનતા તાત્કાલિક અમદાવાદ ફાયરના અધિકારી (Ahmedabad fire Officer)ઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જોકે, બેંકમાં આગ સામે બચવાની બેદરકારી જોઈ ખુદ ફાયરના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે અહીં ફાયરના અધિકારીઓને એક નહીં અનેક બેદરકારી નજરે પડી હતી. હવે આ મામલે બેંક સામે શું પગલાં ભરવામાં આવે છે તે જોવાનું રહ્યું.


અમદાવાદના ફાયરની વધતી ઘટનાઓ સામે આગ અકસ્માતને નિવારવા અનેક પગલાં ભરવા જણાવવામાં આવે છે. ફાયર સેફ્ટીની પણ વ્યવસ્થા કરવાના આદેશ કરાય છે પરંતુ જ્યારે આગની ઘટના બને છે ત્યારે સરવાળે પરિણામ શૂન્ય જ નજરે પડે છે. અમદાવાદના અંકુર વિસ્તારમાં આવેલી બેન્ક ઑફ ઇન્ડિયા (Bank of India)ની બ્રાન્ચમાં પણ કંઈક આવું જ બન્યું હતું. પેટ્રોલ પંપની બાજુમાં જ આવેલા બિલ્ડિંગમાં લાગેલી આગની જાણ થતાં અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.


અહીં માત્ર અડધા કલાકના સમયમાં બેંક અને બેંકમાં રહેલા દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા. બેંકમાં અંદર રહેલા સીસીટીવીની પોલીસ હાલ તપાસ કરી રહી છે પરંતુ ફાયરના અધિકારીએ આગનું પ્રાથમિક કારણ શોર્ટ-સર્કિટ ગણાવ્યું છે. બેન્ક પાસેની ફાયરની સુવિધા અંગે પૂછવા આવ્યું ત્યારે એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું કે, આગમાં બેન્કનું ફર્નિચર અને દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા છે.


બેંકમાં આગ સામે ફાયર સેફટી મુદ્દે તેઓએ જણાવ્યું કે, બેંકમાં વેન્ટિલેશનની તમામ બારીઓમાં દીવાલ ચણીને બંધ કરી દેવામાં આવી હતી. બહારની બાજુએ બારીઓને તાળા મારી દેવાયા હતા. ફાયરના જવાનોએ આગના કારણે બેંકમાં ફેલાયેલા ધુમાડાને બહાર કાઢવા માટે આ બારીઓની દીવાલો તોડવી પડી હતી. બારીઓને તોડીને અંદર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.


બેંકના પાછળના ભાગે બહાર નીકળવાનો એકમાત્ર સાંકડો રસ્તો હતો. બીજું કે જ્યાં બેન્ક માટે ઇલેક્ટ્રિક કંપનીનું મીટર છે ત્યાં જ નકામાં કાગળો સંગ્રહી રાખવામાં આવ્યા છે. બેંકના ઇલેક્ટ્રિક મીટરની સિસ્ટમ પણ આઉટડેટેડ હોવાનું જાણવા મળ્યું છે. બેંકની અંદરના ફાયર Extinguisher પણ જૂના હોવાનું સામે આવ્યું છે. જોકે, સદનસિબે આ ઘટના બેંક ખુલવાના અડધો કલાક પહેલાં બની હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. આ કેસમાં સવાલ એ છે કે આગની ઘટના સામે બેદરકારી દાખવનાર બેંક સામે કોઈ પગલાં લેવાશે કે નહીં? જો આગ પ્રસરી હોત તો નજીકમાં જ પેટ્રોલપંપ આવેલો છે.