

દીપિકા ખુમાણ, અમદાવાદ : અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ખાનગી શ્રેય હોસ્પિટલમાં (Shrey hospital)રાતના સમયે 3 વાગે આગ લાગવાની ઘટનામાં 8 લોકોનાં મોત બાદ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. અમદાવાદના એક ફાયર કર્મચારીએ ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું હતું કે ફાયરના ઈમરજન્સી કોલ નંબર 101 પર રાતનાં 3 વાગેને 10 મિનિટે કોલ આવ્યો હતો. તરત જ અમારી 6 ગાડી ઘટના સ્થળ પર આવી ગઈ હતી. એટલું જ નહીં 3 ફાયરના અધિકારીઓની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. જેમાં ફાયરના ચીફ ઓફિસર રાજેશ ભટ્ટ પણ હતા.


આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધુ હતું. કોવિડ હોસ્પિટલ છે તેવો વિચાર કર્યા વગર અમે સીધા જ હોસ્પિટલની અંદર પહોંચી ગયા હતા. હોસ્પિટલમાં ચોથા માળે જયાં આગ લાગી હતી ત્યાંથી તમામ દર્દીઓ નીચે આવવા ભાગી રહ્યા હતા. અમે તમામને જગ્યા કરીને હિમતથી બહાર કાઢયાં. આ ઘટનામાં અમે જ્યારે ચોથા માળે ગયા ત્યાં સુધીમાં ન થવાનું થઈ ગયું હતું. હું નાનો કર્મચારી છું પણ બધી માહિતી તમને અધિકારી આપશે. આ વાત અમદાવાદની ફાયર વિભાગની ટીમમાં આવેલાં કર્મચારીએ ઘટના પૂર્ણ થયા બાદ જણાવી હતી. જેનાં શબ્દોમાં જે ધ્રુજારી હતી તે કહેતી હતી કે આગમાં 8 લોકોનાં મોત બાદ પરિસ્થિતિ કેવી હશે.


શ્રેય હોસ્પિટલમાં ચોથા માળે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગે એટલું વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ કે આઈસીયુમાં દાખલ થયેલાં કોવિડનાં દર્દીઓ જીવતા હોમાઇ ગયા હતા. ચોથા માળે જે જગ્યા પર 8 દર્દીઓ દાખલ હતા તે તમામની ઉંમર 45થી 85 વર્ષ વચ્ચેની હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 8 લોકોમાંથી 3 દર્દીઓનાં રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને રજા પણ આપવાની હતી. જયારે બીજા દર્દીઓ સ્ટેબલ હોવાથી તેમને પહેલાં માળે નોર્મલ વોર્ડમાં શિફ્ટ કરવાના હતા પરંતુ અચાનક રાતના સમયે શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી.