

અમદાવાદઃ એક તરફ કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે બીજી તરફ અમદાવાદ, રાજકોટ સહિત ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રવિવારે રાત્રીના 8.13 મિનિટે કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય, દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકના પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભચાઉ નજીક ભૂકંપનું કેન્દ્રબિન્દુ છે. એપી સેન્ટરમાં 5.5ની ભૂકંપન તિવ્રતા નોંધાયાનું અનુમાન વૈજ્ઞાનિકો લગાવી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યમાં આવેલા ભૂકંપના આંચકાઓને પગલે રાજકોટ કચ્છ અને પાટણ જીલ્લાના કલેકટરો સાથે ટેલિફોન પર તાત્કાલિક વાતચીત કરીને ત્યાંની પરિસ્થતિની જાણકારી મેળવી હતી


મળતી માહિતી રવિવારે રાત્રે અમદાવાદ, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે આશરે 4થી 6 સેકન્ડનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની સૌથી વધુ અસર રાજકોટ જિલ્લામાં જોવા મળી છે. જિલ્લાના જેતપુર, વિરપુર(જલારામ), ધોરાજી, ઉપલેટા, જામકંડોરણામાં આંચકો અનુભવાયો છે. જેને પગલે લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જિલ્લામાં 8 વાગ્યે અને 14 મિનિટે ભૂકંપના બે આંચકા આવ્યા હતા. જ્યારે મોરબીમાં 7થી 8 સેકન્ડ સુધી ધરા ધ્રુજી હતી. જ્યારે ઉપલેટામાં દિવાલ ધરાશાયી થઈ ગઈ છે.


અમદાવદામાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોને વર્ષ 2001માં ગોજારા ભૂકંપની યાદ અપાવી હતી. ભૂકંપના પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. વધુ મળતી માહિતી પ્રમાણે ભચાઉની નજીકમાં એપી સેન્ટર નોંધવામાં આવ્યું છે.


આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ પાસે હોવાથી સ્વાભાવિકપણે સૌથી વધુ ધ્રુજારી કચ્છ જિલ્લામાં જ જોવા મળી હતી. ભચાઉ પાસે વોંધ ગામે એપીસેન્ટર ધરાવતા 5.3ના ભૂકંપે કચ્છની ધરાને 10 સેકન્ડ સુધી ધ્રુજાવી હતી. જ્યારે રાજકોટ અને મોરબી સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ત્રણ આફ્ટર શોક અનુભવાયા હતા. અહીં 4.8ની તીવ્રતા સાથે 7 સેકન્ડ સુધી અને પાટણ તથા ગાંધીનગર-અમદાવાદમાં 3.4ની તીવ્રતા સાથે 5 સેકન્ડ સુધી કંપન અનુભવાયું હતું. વડોદરામાં પણ 2.4ની તીવ્રતા સાથે ત્રણથી ચાર સેકન્ડ સુધી હળવી ધ્રુજારી અનુભવાઈ હતી.